સાબરમતી નદીમાં કૂદેલી મહિલાને બચાવી લેવાઇ
હજુ ગયા અઠવાડિયે જ એક યુવતીએ લગ્નજીવનમાં કંકાસથી કંટાળીને સાબરમતીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો, અને તેણે અંતિમ પગલું ભરતાં પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો
અમદાવાદ, સોમવારે બપોરના અરસામાં આપઘાત કરવાના ઈરાદે સાબરમતી નદીમાં કૂદેલાં એક મહિલાને ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચીને બચાવી લીધા છે. પ્રાથમિક વિગતો અનુસાર, મહિલાને એલિસબ્રિજ પાસેથી બચાવી લેવામાં આવ્યાં હતાં. તેઓ રિવરફ્રંટના વોક-વે પરતી જ નદીમાં કૂદ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
તેમને રેસ્કયૂ કરીને હાલ વીએસ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં છે. જાેકે, આઘાતમાં હોવાના કારણે તેઓ કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. પ્રાથમિક અહેવાલ અનુસાર, નદીમાં કૂદેલાં મહિલા રાયપુરના હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, તેમણે કેમ નદીમાં ઝંપલાવ્યું હતું તેની ચોક્કસ વિગતો તેમનું નિવેદન નોંધાય ત્યારબાદ જ જાણવા મળશે.
નદીમાંથી બહાર કઢાયા બાદ પણ મહિલા એટલા આઘાતમાં હતાં કે તેઓ ફાયરબ્રિગેડની બોટ પર ગૂમસૂમ બેસી રહ્યાં હતાં. તેમને શાંત પાડવા માટે ફાયરબ્રિગેડના એક જવાને માથે હાથ ફેરવીને તેમની સાથે વાત કરી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.
પોલીસે આ મામલે મહિલાની સ્થિતિ સામાન્ય થાય ત્યારપછી તેમનું નિવેદન લઈને આગળની કાર્યવાહી કરવા માટેની તૈયારી શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગયા અઠવાડિયે જ એક યુવતીએ લગ્નજીવનમાં કંકાસથી કંટાળીને સાબરમતીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો, અને તેણે અંતિમ પગલું ભરતાં પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો, અને પતિને ફોન પણ કર્યો હતો.
આ વિડીયો અને ફોન કોલના રેકોર્ડિંગે ખાસ્સી ચર્ચા જગાવી હતી, અને અમદાવાદીઓમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. સાબરમતી નદી જાણે સ્યૂઈસાઈડ પોઈન્ટ બની રહી હોય તેમ છાશવારે તેમાં છલાંગ લગાવી કોઈને કોઈના આપઘાત કરવાના કિસ્સા બનતા જ રહે છે.
નદીમાં લોકો કૂદી ના જાય તે માટે અમદાવાદના ઓવરબ્રિજ પર જાળીઓ પણ લગાવવામાં આવી છે. જાેકે, તેમ છતાંય સાબરમતીમાં થતાં આપઘાત અટકાવી શકાયા નથી. નદીમાં કોઈ કૂદી જાય તો પણ તેને બચાવવા માટે ફાયરબ્રિગેડની બોટ પણ તૈનાત રાખવામાં આવે છે. પરંતુ ગયા સપ્તાહે આપઘાત કરનારી મુસ્લિમ યુવતીને બચાવી નહોતી શકાઈ. વળી, સી-પ્લેન સેવા શરુ થઈ ત્યારથી સાબરમતી નદીમાં પાણી પણ એકદમ છલોછલ રાખવામાં આવે છે.