સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વોટર રાઈડ્સનો પ્રારંભ થયો
અમદાવાદ: ઘણા સમયથી જેની રાહ જાેવાતી હતી તે એક્ટિવિટી આખરે શરૂ થઈ ગઈ છે. શુક્રવારે એટલે કે ૨૦૨૧ના પહેલા દિવસે સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સની સુવિધા ટ્રાયલ બેસિઝ પર શરૂ થઈ છે. મોટી સંખ્યામાં શહેરીજનોએ તેમાં પણ ખાસ કરીને બાળકોએ નવા વર્ષના પ્રથમ દિવસે વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો હતો.
હાલ જેટ સ્કી, હાઈસ્પીડ બોટ, કિડ્સ પેડલ બોટ અને ઝોર્બિંગની સુવિધા નાગરિકો માટે શરૂ કરાઈ છે. ટ્રાયલ ૧૫ જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ વધુ સ્પોર્ટ્સ શરૂ કરવામાં આવશે, તેમ વોટર સ્પોર્ટ્સની સુવિધા પૂરી પાડનારી કંપની એન્ટાર્ટિકા સીવર્લ્ડના પદાધિકારીનું કહેવું છે.
આ કંપનીને વોટર સ્પોર્ટ્સનું સંચાલન કરવા માટે એક વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જાે કે, આ રાઈડ્સની મજા લેવા આવતાં લોકોની એવી માગણી હોય છે કે, વોટર સ્પોર્ટ્સ દરમિયાન તાજું પાણી મળી રહે. એક મુલાકાતીએ કહ્યું, “અગાઉ અહીંનું પાણી વધારે તાજું હતું
માટે આ સુવિધાનું સંચાલન કરતા વ્યક્તિઓએ આ બાબત પર ધ્યાન કેંદ્રિત કરવું જાેઈએ. કંપનીના પદાધિકારીએ કહ્યું, પાણીનું સ્તર ૭ ફીટ સુધી જાળવી રખાશે. આ સ્થળે કંપની એરેટર લગાવવાનું પણ વિચારી રહી છે. એવા અહેવાલો પણ છે કે, મુલાકાતીઓ માટે વધુ કેટલીક સ્પીડબોટ્સ પણ રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવશે.
અધિકારીઓનું કહેવું છે કે પાણીનું સ્તર સમસ્યા નહીં બની રહે કારણકે સરકારે રિવરફ્રન્ટથી સી-પ્લેન સેવા શરૂ કરી છે. વર્ષના પહેલા દિવસે રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સની મજા માણનારા કેટલાક મુલાકાતીઓએ પોતાનો અનુભવ જણાવ્યો છે. સંધ્યા પટેલે કહ્યું, અમે ત્રીજી વખત રિવરફ્રન્ટ ખાતે આવ્યા છીએ. આ વખતે અમે અહીં વોટર સ્પોર્ટ્સનો આનંદ લીધો. મને વોટર ટ્રાયસિકલ રાઈડમાં મજા પડી. પરંતુ હું ચોક્કસ કહીશ કે પાણીની ગુણવત્તા હોવી જાેઈએ તેવી નહોતી.
અન્ય એક મુલાકાતી એકતા પટેલે કહ્યું, અહીં બાળકો માટે વોટર સ્પોર્ટ્સની સુવિધા છે, જે સારી બાબત છે. બીજા ગુડ ન્યૂઝ એ છે કે કંપનીના કર્મચારીઓ તરફથી અમને કહેવાયું છે કે અહીં વધુ એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવશે. અમે નવી શરૂ થનારી રાઈડ્સનો આનંદ લેવા ઉત્સુક છીએ.