સાબરમતી રીવરફ્રન્ટ ઉપર સીસીટીવી કેમેરા ક્યારે લાગશે ?
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની શાન સમા રીવરફ્રન્ટ પરથી કેટલાય નાગરીકો સાબરમતીમાં કુદીને આત્મહત્યા કરવાના બનાવો અવારનવાર સામે આવી રહયા છે. રીવરફ્રન્ટ બન્યા બાદથી ત્યાં રેસ્કયુ ટીમને પણ સાધન સજ્જ કરી તૈયાર રાખવામાં આવી છે જેના કારણે આપઘાતના બનાવોમાં ખુબ જ ઘટાડો આવ્યો છે અને રેસ્કયુ ટીમ નાગરીકોને બચાવી રહી છે તેમ છતાં જાે કેટલીક સગવડ રીવરફ્રન્ટ પર ઉભી કરવામાં આવે તો મૃત્યુના બનાવો ઉપરાંત ક્યારેક બનતી અનિચ્છનીય ઘટનાઓમાં હજુ વધુ ઘટાડો થઈ શકે તેમ છે. ઉપરાંત રેસ્કયુ ટીમનો ક્વીક રીસ્પોન્સ ટાઈમ પણ ઝડપી થઈ શકે તેમ છે.
કરોડોના ખર્ચે બનાવેલા સાબરમતી નદી પરના રીવરફ્રન્ટની લંબાઈ હાલમાં આશરે બાર કિ.મી જેટલી છે અને વધારાનું બાંધકામ હાલમાં ચાલુ છે જયારે રેસ્કયુ ટીમમાં એક બોટ સાથે બે જ ફાયર જવાનો સતત સાબરમતીમાં તૈનાત રહે છે અને તે સતત પેટ્રોલિંગ કરતાં રહે છે.
હવે જયારે કોઈ ઘટના બને છે ત્યારે રેસ્કયુ ટીમ નજીકમાં હોય તો તે તુરંત પહોચી જઈને આપઘાતનો પ્રયાસ કરનારને બચાવી લે છે પરંતુ જ્યારે વ્યક્તિ રેસ્કયુ ટીમથી દુર હોય છે ત્યારે તેમને કંટ્રોલ રૂમ પરથી મેસેજ મળે છે અને કંટ્રોલ રૂમને ઘટના સ્થળે હાજર કોઈ નાગરીક ફોન કરે છે. આ બે ફોન કોલ સરેરાશ ૩ થી ૪ મિનિટનો સમય વીતી જાય છે અને રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચે એ સમય અલગથી જયારે વ્યક્તિ પાણીમાં ડુબ્યા બાદ ફકત ર થી ૩ મિનિટમાં જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે.
બીજી તરફ રીવરફ્રન્ટના રસ્તા ઉપર રાહદારીઓની સતત અવરજવર હોવા છતાં ક્યારેક લુંટ કે ચોરીની ઘટનાઓ બહાર આવે છે
તો ક્યારેક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પણ મળી આવે છે. આવી ઘટનાઓ રોકવા માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલીક સીસીટીવી કેમેરા લગાવીને કંટ્રોલ રૂમ ઉભું કરવાની તથા રેસ્કયુ ટીમની સંખ્યા વધારી તેમના પોઈન્ટ ફિક્સ કરવાની જરૂર છે. જેના પગલે દિવસ ઉપરાંત રાત્રે પણ કોઈ વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે તો તે ઘટના નિવારી શકાય. અથવા સીસીટીવીને આધારે જે તે સ્પોટ પર તુરંત પહોંચી શકાય અને ક્વીક રીસ્પોન્સ ટાઈમમાં સુધારો થઈ શકે તેમ છે ઉપરાંત ક્યારેક બનતા ગુના પણ અટકાવી શકાય અથવા તેનો ભેદ ઉકેલવામાં સરળતા રહે.