સાબરમતી રીવરફ્રન્ટ પર યોજાયેલા ‘સરસ મેળા’ને મળી અપ્રતિમ સફળતા
ગ્રામીણ સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું રૂ.૬૩.૬૫ લાખનું વેચાણ થયું
ગ્રામીણ સ્વ-સહાય જૂથોને અલગથી વધુ રૂ. ૬૪ લાખના કલાત્મક ચીજવસ્તુઓની ખરીદી માટે ઓર્ડર મળ્યા
અમદાવાદમાં મળેલી સફળતા બાદ આગામી તા.પાંચમી માર્ચે સુરત ખાતે પણ સરસ મેળાનું આયોજન
ગ્રામીણ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો અને સખીમંડળોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર બનાવી સશક્તિકરણ કરવાના ઉમદા આશયથી અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘સરસ મેળા’ દ્વારા પ્રદર્શન સહ વેચાણનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સરસ મેળાને અપ્રતિમ સફળતા મળવા પામી છે.
એક સપ્તાહના આ સરસ મેળાના આયોજન દરમિયાન આઠ હજારથી વધુ લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી. ગ્રામીણ સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું આ સપ્તાહ દરમિયાન રૂ.૬૩.૬૫ લાખનું વેચાણ થયું હતું, એટલું જ નહીં ગ્રામીણ સ્વ-સહાય જૂથોને અલગથી વધુ રૂ.૬૪ લાખના કલાત્મક ચીજવસ્તુઓની ખરીદી માટે ઓર્ડર મળ્યા છે. અમદાવાદમાં મળેલી સફળતા બાદ આગામી તા.પાંચમી માર્ચ-૨૦૨૦ સુરત ખાતે પણ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા ગ્રામ વિકાસ વિભાગના રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભ સદન ખાતે તા.૧૬.૦૨.૨૦૨૦ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરસ મેળામાં વિવિધ રાજયોના ૫૦ તથા ગુજરાતના ૧૧૦ ફૂડ સ્ટોલ જોવા મળ્યા હતા. મેળાની વિશેષતા એ હતી કે અહી માત્ર ગ્રામીણ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવ્યું હતું.
આ સરસ મેળાનું તા.૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડી.ડી.કાપડિયાના હસ્તે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રાદેશિક સરસ મેળામાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, કેરલ તથા પૉંડિચેરી સહિતના વિવિધ રાજ્યોએ ભાગ લીધો હતો.
તા. ૧૬ ફેબ્રુઆરીએ થી ૨૩ ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ સરસ મેળામાં રોજના અંદાજિત ૧૦,૦૦૦ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. સરસ મેળામાં કુલ રૂ.૬૩,૬૪,૯૦૦/-ની કિંમતની કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ થવા પામ્યું હતું. તદુપરાંત ચીજ વસ્તુઓની ખરીદી સાથે રૂ.૬૪,૦૦,૦૦૦/- જેટલાનો ભવિષ્યની ખરીદી માટેનો ઓર્ડર પણ આ ગ્રામીણ સ્વસહાય જૂથોને મળતા તેઓ વધુ પ્રોત્સાહિત થયા હતા.
તા.૨૩ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સમાપન સમારોહમાં સમગ્ર મેળા દરમ્યાન બેસ્ટ સેલિંગ/બેસ્ટ ડિસ્પ્લે/બેસ્ટ ક્રિએટિવ તથા બેસ્ટ ફૂડ સ્ટોલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં બેસ્ટ સેલિંગ માટેનો પ્રથમ એવોર્ડ ઓડિશાના પટ્ટચિત્ર પેઇન્ટિંગ ધરાવતા માં અમૃતા સેલ્ફ હેલ્ફ ગ્રૂપને કે જેનું વેચાણ રૂ.૧,૯૮,૫૦૦/- થયું હતું. દ્વિતીય ક્રમે ખેડા જિલ્લાનાં શરબત બનાવતા શિલ્પા સખી મંડળને જેનું વેચાણ રૂ.૧,૮૫,૯૮૦/- તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટ ધરાવતા વલસાડના માધવા સ્વસહાય જૂથને કે જેનું વેચાણ રૂ.૧,૧૯,૭૦૦/- થયું હતું.
બેસ્ટ ફૂડ સ્ટોલ માટે ગુજરાતના બોટાદ જિલ્લાના કેવલ સખીમંડળને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમામ એવોર્ડ વિજેતાને GLPCના મેનેજિંગ ડિરેક્ટરના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના સ્વસહાય જૂથની બનાવટ એવું કલાત્મક ખીલીદોરી વર્કનું શિલ્પ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.