સાબરમતી રેલ્વેયાર્ડમાં જ કર્મચારી લુંટાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરીજનોને એકલાં જાેઈ તેમનો પીછો કરી લુંટ કરવાની ઘટનાઓ એકાએક વધી છે આવી જ વધુ એક ઘટના સાબરમતી વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં રેલ્વેના લોકો પાયલોટને ત્રણ શખ્સોએ છરીઓ બતાવી પાકીટ, મોબાઈલ, રોકડ તથા રેલ્વેની પર્ફોમન્સ બુક લુંટી લીધી હતી.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ચાંદખેડાની મણીભદ્ર સોસાયટીમાં રહેતા મનોજભાઈ કુર્મી (૩૧) પશ્ચિમ રેલવે સાબરમતી ખાતે આસીસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે કાર્યરત છે. શુક્રવારે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે તે સાબરમતી ખાતે જવા નીકળ્યા હતા ત્યારે સાબરમતી રેલ્વેયાર્ડ નજીક એક મોટર સાયકલ પર આવેલા ત્રણ હીન્દી ભાષી શખ્સોએ તેમને રાણીપનું એડ્રેસ પૂછતાં મનોજભાઈએ પોતે એ તરફ જતાં હોઈ પાછળ આવતા કહયું હતું
થોડે આગળ જતાં જ તેમનું બાઈક બંધ થતાં તે ચાલુ કરવાનો પ્રયત્ન કરતાં હતા ત્યારે જ પાછળ આવતા શખ્સોએ તેમને ઘેરી લઈ છરીઓ બતાવી અવાજ ન કરવાનું કહયુ હતું અને તેમની પાસેથી રેલ્વેની પર્ફોમન્સ બુક, દસ્તાવેજ ભરેલુ પાકીટ, રોકડ તથા મોબાઈલ ફોન સહીત દસ હજારથી વધુની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ફરીયાદ નોંધાતા સાબરમતી રેલવે પોલીસે હવે લુંટની ઘટનાની તપાસ હાથ ધરી છે.