સાબરમતી શુધ્ધિકરણઃ “સફેદ જુઠ” – જુનો પ્રોજેકટ નવી ફાઈલ
ર૦૧પથી ર૦૧૮ સુધી રૂ.૧ર૦ કરોડની રકમ નદી શુધ્ધિકરણ માટે ખર્ચ થઈ ચુકી છેઃ સુત્રો
બેરેજના દરવાજા રીપેર કરવાના હોવાથી નદી ખાલી કરવામાં આવી છેઃ વાસ્તવિકતા
(દેવેન્દ્ર શાહ દ્વારા)
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નર વધુ એક વખત “યશ” લેવાની લ્હાયમાં ફસાયા છે. શહેરની આગવી ઓળખ અને ધરોહર સમાન સાબરમતી નદી શુધ્ધિકરણ મામલે તેમણે આપેલા નિવેદનો માત્ર ર૪ કલાકમાં જ બુમરેગ સાબિત થઈ રહયા છે. સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં શુધ્ધ કરવામાં આવશે તથા તેના માટે છેલ્લા એક મહીનાથી તંત્ર મહેનત કરી રહ્યું છે. તેવા દાવા કમીશ્નર દ્વારા કરવામાં આવ્યા હતા. જયારે વાસ્તવીક પરિસ્થિતિ અલગ જ છે. સાબરમતી નદી શુધ્ધિકરણ માટે રૂ.૪૪૪ કરોડના ડી.પી.આર. ને યુ.પી.એ સરકારે મંજૂરી આપી હતી. તથા ર૦૧પની સાલથી નદી શુધ્ધિકરણ માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ પણ થઈ રહયા છે. પરંતુ ભૂતકાળના કમીશ્નરો નિષ્ક્રિય હતા તથા તમામ કાર્યો મારા થકી જ થઈ રહયા છે. તે વ્યાપક સાબિત કરવા માટે વહીવટીતંત્ર ના વડા સતત પ્રયાસ કરી રહ્યા છે. જે ટૂંકા અથવા લાંબા ગાળે બુમરેગ સાબિત થાય છે. સાબરમતી નદી શુધ્ધિકરણનો પ્રોજેકટ પાંચ વર્ષ જુનો છે. માત્ર ફાઈલ નવી તૈયાર થઈ છે. તેવી ચર્ચા મ્યુનિ.ભવનમાં ચાલી રહી છે !
સાબરમતી નદીમાં દૈનિક ૧૮૦ એમએલડી એટલે કે ૧૮ કરોડ લીટર સુઅરેજ (ગંદુ) પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદી પ્રદુષિત થઈ છે. દેશની પ્રદુષીત નદીઓમાં સાબરમતીનો ૧૩ મો ક્રમાંક છે. તથા રાજયમાં પ્રથમ નંબરે છે. સાબરમતી નદીને શુધ્ધ કરવા માટે કેન્દ્રની યુ.પી.એ. સરકારે જેતે સમયે રૂ.૪૪૪ કરોડના ડી.પી. આર. ને મંજૂરી આપી હતી. પરંતુ અગમ્ય કારણોસર એનઆરસીપીના પ્રોજેકટ પર કામ શરૂ થયું ન હતું. નદી શુધ્ધિકરણ માટે ર૦૧પ-૧૬ થી તંત્ર જાગૃત થયું હતું તથા પાંચ સ્થળે એસટીપી બનાવવા નિર્ણય કર્યો હતો. મ્યુનિ.કોર્પોરેશને પીરાણા, વાસણા, શંકરભુવન છાપરા, કેન્ટોન્મેન્ટ તથા ચંદ્રભાગા પાસે એસટીપીના આયોજન કર્યા હતા તથા સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત “જલવિહાર” પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. જેની ક્ષમતા ૬૦ એમએલડીની છે.“જલ વિહાર” પ્રોજેકટના કારણે મહેસાણા ગરનાળા ના પાણી ટ્રીટ થઈ શકશે. આ તમામ પ્રોજેકટ માટે મનપા દ્વારા ર૦૧પમાં રૂ.૪૮.૦૧ કરોડ, ર૦૧૬માં રૂ.૯.પ૩ કરોડ, ર૦૧૭માં રૂ.ર૩.૩૮ કરોડ તથા ર૦૧૮માં રૂ.૩ર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મતલબ કે,વર્તમાન મ્યુનિ. કમીશ્નરની નિયુકિત થઈ તે પહેલાથી જ સાબરમતી નદી “શુધ્ધિકરણ” માટેની કામગીરી શરૂ થઈ ગઈ હતી. વર્તમાન કમીશશ્નરે કોટેશ્વર ખાતે રૂ.૧૩પ કરોડના ખર્ચથી ૬૦ એમએલડીનો પ્લાન્ટ બનાવવા માટે “ઔડા” મારફતે મંજૂરી આપી છે. તથા કોતરપુર ખાતે રૂ.૭૦ કરોડના ખર્ચથી વધુ એક એસટીપી બનાવવા આયોજન કર્યું છે.
તે સિવાય નદી શુધ્ધિકરણ માટે “ઉડી ને આંખે વળગે” તેવી કોઈ નકકર કાર્યવાહી થઈ નથી. આગામી પાંચ જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તથા મુખ્યમંત્રી ના આદેશ હોવાથી અભરાઈ પરથી જુની ફાઈલો ના કાગળ ઉઠાવીને નવી ફાઈલમાં મુકવામાં આવ્યા હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
મ્યુનિ. કમીશ્નરે ચાર તબકકામાં નદી શુધ્ધિકરણની કામગીરી કરવામાં આવશે તેમ જાહેર કર્યું છે. જે પૈકી પ્રથમ તબકકામાં ગંદા પાણીને ખાલી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. જયારે વાસ્તવીકતા અલગ છે. વાસણા બેરેજના દરવાજા રીપેર કરવાના હોવાથી નદી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
છેલ્લા એક માસથી પાણીનો જથ્થો ઘટાડવામાં આવી રહયો છે. ૧પ જુન સુધી તમામ દરવાજાના રીપેરીગ-મેઈન્ટેન્સના કામ પુરા થશે ત્યાં સુધી નદી ખાલી રહેશે. તથા આ સમયગાળા દરમ્યાન નદીમાંથી સુકો કચરો ખાલી કરવામાં આવી રહયો છે. જેસામાન્ય પ્રક્રિયા છે. ભૂતકાળમાં તત્કાલીન મ્યુનિ. કમીશ્નર આઈ.પી. ગૌતમના કાર્યકાળ દરમ્યાન પણ નદી ખાલી કરીને કચરો લેવામાં આવ્યો હતો. તથા તે સમયે લીલ અને વેલાને દૂર કરવા માટે મશીન પણ વસાવવામાં આવ્યું હતું.
શરમજનક બાબત એ છે કે સાબરમતી નદીમાં દૈનિક ૧૮૦ એમએલડી ગંદુ પાણી છોડવામાં આવી રહયું છે. તે બાબત અત્યંત સાહજિકતાથી કમીશ્નરે જણાવી હતી. પરંતુ આ ગંદા પાણી કોણ છોડી રહયું છે ? તથા તેની સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે ? તે બાબતે કોઈ જ નિવેદન આપ્યા નથી. નદીમાં સૌથી વધુ ૬૦ એમએલડી દુષિત પાણી મહેસાણા ગરનાળાથી છોડવામાં આવે છે. જે રાણીપ, કાળી અને સાબરમતી વિસ્તારનુંછે. મધ્યઝોનના શંકરભુવન છાપરા પાસેથી પણ રપ એમએલડી દુષીત પાણી નદીમાં જાય છે.
જયારે સરદારનગર અને શાહીબાગ વિસ્તારનું સુઅરેજ વોટર ડફનાળા ખાતેથી છોડવામાં આવે છે. રીવરફ્રન્ટની મુળ ડીઝાઈન મુજબ ઈન્ટરસેપ્ટર લાઈનો નાંખવામાં આવી ન હોવાથી નદી દુષીત થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧ર૦૦ થી ૧રપ૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે. જેના ૭૦ ટકા સુઅરેજ વોટર હોવાની ગણત્રી થાય છે. મતલબ કે, શહેરમાં દૈનિક સરેરાશ ૮૪૦થી ૮પ૦ એમએલડી સુઅરેજ વોટરનો નિકાલ કરવો જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૮પ૦ એમએલડીની ક્ષમતા મુજબ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા હોવાના દાવા થઈ રહયા છે.
પરંતુ અહી એક ગણત્રી કરવામાં આવતી નથી.શહેરમાં ખાનગી બોર દ્વારા દૈનિક ર૦૦ એમએલડી પાણીનો નાગરીકો દ્વારા લેવામાં આવે છે. તેના ૭૦ ટકા લેખે લગભગ ૧પ૦ એમએલડી સુઅરેજને ટ્રીટ કરવાની ક્ષમતા મ્યુનિ. પમ્પીંગ સ્ટેશનો નથી. તેથી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કોન્ટ્રાકટરો દ્વારા આ પાણી બાયપાસ કરવામાં આવે છે. તેવી જ રીતે સ્ટ્રોમ વોટર લાઈનમાં સુઅરેજ વોટર પણ બાયપાસ થતા રહે છે.
જેના પરીણામે નદી દુષીત થાય છે. મ્યુનિ. કોર્પોરેશન જયાં સુધી આ દિશામાં કાર્યવાહી નહી કરે ત્યાં સુધી નદી શુધ્ધિકરણના દાવા માત્ર કાગળ પર જ રહેશે. તેમ નિષ્ણાતો માની રહયા છે !