Western Times News

Gujarati News

સાબરમતી સેન્ટ્રલ જેલના કર્મચારીઓની બેદરકારી?

files Photo

વિશાલ ગોસ્વામીના ખંડણી નેટવર્કની તપાસ કરનાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે તૈયાર કરેલો ચોંકાવનારો રિપોર્ટ રાજયના પોલીસવડાને સુપ્રત કરાશે  : જેલમાંથી મોબાઈલ મળવાનો સીલસીલો યથાવત

(પ્રતિનિધિ) અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત આરોપી અને ખંડણીખોર વિશાલ ગોસ્વામી દ્વારા પોતાના સાગરિતોની મદદથી જેલમાં બેઠા બેઠા ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ ક્રાઈમબ્રાંચે આ અંગે ઝીણવટભરી તપાસ કરતા અને વિશાલ ગોસ્વામીની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કર્મચારીઓની ખુલ્લેઆમ બેદરકારી બહાર આવતા અમદાવાદ ક્રાઈમબ્રાંચ આ અંગેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી રાજયના પોલીસવડાને સુપ્રત કરશે. આ રિપોર્ટના આધારે જવાબદાર તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા ભોગવી રહયા છે સમગ્ર સેન્ટ્રલ જેલમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત સતત તૈનાત હોય છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે જેના મારફતે દરેક કેદીઓ પર નજર રાખવામાં આવતી હોય છે. કડક સુરક્ષા વ્યવસ્થા છતાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન પકડાવવાની ઘટનાઓ સતત બની રહી છે અત્યંત ગંભીર એવી આ ઘટનાઓમાં કેદીઓ કેવી રીતે ફોન મેળવે છે તેની તપાસ કરવામાં આવતી હોય છે પરંતુ આવા કેસોમાં જેલ કર્મીઓ સામે પણ શંકાની સોય ચીંધાતી હોય છે. તાજેતરમાં જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા વિશાલ ગોસ્વામી નામના કુખ્યાત ખંડણીખોરે પોતાનું નેટવર્ક ચાલુ રાખ્યું હોવાની ફરિયાદો મળી હતી.

વિશાલ ગોસ્વામીએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોન મારફતે પોતાના સાગરિતોને ખંડણી ઉઘરાવવા માટે આદેશ આપતો હતો અને તેના સાગરિતો પણ મોબાઈલ ફોન ઉપર જ સમગ્ર ઘટનાક્રમ વિશાલ ગોસ્વામીને જણાવતા હતાં. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા વિશાલ ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવેલા ખંડણીના આ નેટવર્કનો પર્દાફાશ થતાં રાજયનું ગૃહ વિભાગ ચોંકી ઉઠયું હતું. બીજીબાજુ અત્યંત ગંભીર એવા આ ષડયંત્રની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાંચ કરી રહી છે.

વિશાલ ગોસ્વામીની પુછપરછ કરતા અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓને કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી હતી. જેલમાં બેઠા બેઠા વિશાલ ગોસ્વામી વહેપારીઓને ફોન કરી ખંડણી માંગતો હતો અને જા કોઈ ઈન્કાર કરે તો તેને તેના સાગરિતો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી જેલમાં બેઠા બેઠા વિશાલ ગોસ્વામીએ ૬ જેટલા વહેપારીઓ પાસેથી રૂ.૬૦ લાખથી વધુની રકમ વસુલી હોવાનું તપાસમાં ખુલ્યુ છે. વિશાલ ગોસ્વામી સાથે સંડોવાયેલા તેના સાગરિતોની પણ મહત્વપૂર્ણ વિગતો ક્રાઈમબ્રાંચને મળી છે


જેના આધારે ખાનગીરાહે તપાસ કરવામાં આવી રહી છે. વિશાલ ગોસ્વામીએ જેલમાં મોબાઈલ ફોન કેવી રીતે મેળવ્યા તે મુખ્ય મુદ્દો હતો અને આ અંગે અમદાવાદ ક્રાઈમબ્રાંચે તેની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. વિશાલ ગોસ્વામીએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન મેળવ્યા બાદ ખંડણીનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું મોબાઈલ ફોન અંગે એક પછી એક મહત્વપૂર્ણ વિગતો મેળવી અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ અંગે ચોંકાવનારો અહેવાલ તૈયાર કર્યો હોવાનું જાણવા મળી રહયું છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાનો સીલસીલો યથાવત રહયો છે. ખંડણીનું નેટવર્ક પકડાવવા છતાં સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી રહયા છે જે ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર બાબત છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા વિશાલ ગોસ્વામીના મુદ્દે તૈયાર કરેલા રિપોર્ટમાં જેલ કર્મચારીઓની બેદરકારી ઉપરાંત સંડોવણી હોવાની પણ જાણકારી મળી રહી છે અને આ સમગ્ર અહેવાલ અમદાવાદ ક્રાઈમબ્રાંચ રાજયના પોલીસવડાને સુપ્રત કરવાની છે.

અત્યંત ચકચારભર્યાં આ કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે અને હવે તેનો રિપોર્ટ વિસ્ફોટક બનવાનો છે તેવુ જાણવા મળી રહયું છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન વિશાલ ગોસ્વામી પાસે કેવી રીતે પહોંચ્યા તે અંગેની સંપૂર્ણ હકીકતો આ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે જે વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ પોલીસવડાને સુપ્રત થયા બાદ આગામી પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે. ક્રાઈમબ્રાંચે તેના અહેવાલમાં કેટલીક ચોંકાવનારી વિગતો દર્શાવી છે. રાજયના પોલીસવડાને રિપોર્ટ સુપ્રત કર્યાં બાદ આ મુદ્દે પોલીસતંત્રમાં વ્યાપક પ્રમાણમાં ખળભળાટ મચી જવાનો છે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. હાલમાં આ સમગ્ર મુદ્દો ખૂબ જ ગંભીર માનવામાં આવી રહયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક બાજુ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત હોવાનો દાવો કરવામાં આવી રહયો છે ત્યારે મોબાઈલ ફોન મળવાના કારણે સાબરમતી જેલમાં સુરક્ષા સાથે ચેંડા કરવામાં આવતા હોવાનું પણ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.