સાબરમતી સેન્ટ્રલ જેલમાં સર્ચ ઓપરેશન- રાજયની તમામ જેલોમાં કાર્યવાહી શરૂ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામીના ખંડણી નેટવર્કના પર્દાફાશ બાદ જેલ સત્તાવાળાઓ સક્રિય બન્યા છે અને છેલ્લા એક સપ્તાહથી વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે જેમાં મોબાઈલ ફોન પકડાવાનો સીલસીલો શરૂ થયો છે
અમદાવાદ ક્રાઈમબ્રાંચે વિશાલ ગોસ્વામીની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે રાજયના ગૃહવિભાગ તથા પોલીસવડાને આપેલી સંપૂર્ણ વિગતો બાદ રાજયની દરેક જેલોમાં પગલાં ભરવાની શરૂઆત થઈ છે.
ગઈકાલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવતા ૩ સ્થળોએથી જમીનમાં દાટેલા મોબાઈલ ફોન તથા એક સ્થળેથી મંદિરની ઉપરના ભાગે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવતા જેલ સત્તાવાળાઓ ચોંકી ઉઠયા છે.
આ બેરેકોમાં સજા કાપી રહેલા કેદીઓએ મોબાઈલ ફોન પોતાના હોવાનો ઈન્કાર કરતા તમામ મોબાઈલ ફોન તપાસઅર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. રાણીપ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા આરોપી વિશાલ ગોસ્વામીએ ખંડણીનું નેટવર્ક ઉભુ કરી વહેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાની વિગતો બહાર આવતા જ ગૃહ વિભાગ ચોંકી ઉઠયું છે સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા હાલમાં વિશાલ ગોસ્વામીના ખંડણીના નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં મહત્વપૂર્ણ વિગતો બહાર આવતા ગૃહ વિભાગે જેલસત્તાવાળાઓને તાકિદ કરતા રાજયની તમામ જેલોમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક કુખ્યાત આરોપીઓ સજા ભોગવી રહયા છે. જેલમાંથી મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ પણ અવિરતપણે બની રહી છે જેના પગલે ગુનેગારો જેલમાં બેઠા બેઠા જ ગુનાખોરી આચરી રહયા છે આ પરિસ્થિતિમાંસાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા એક સપ્તાહથી કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
ગઈકાલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સત્તાવાળાઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૧૦.૦૦ વાગ્યે નવી જેલના સર્કલ યાર્ડમાં બેરેક નં.૧/૪ માં બે બાથરૂમની વચ્ચે આવેલી જગ્યામાં ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યો હતો આ ઉપરાંત આજ બેરેકમાં મંદિરની ઉપર વેનટીલેશનમાં સંતાડેલો મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ સર્કલ યાર્ડમાં જ બેરેક નં.૧૦/ર માં બહારના ભાગે ગટરની પાસે ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત બપોરે નવી બેરેકની બેરેક નં.૭ પાસે બાથરૂમમાં પાણીના નિકાલની જગ્યા પર ખાડો ખોદીને દાટેલો મોબાઈલ ફોન જેલ સત્તાવાળાઓએ શોધી કાઢયો હતો આમ એક જ દિવસમાં સંતાડેલા ૪ મોબાઈલ ફોન ઉપરાંત એક ચાર્જર શોધી કાઢવામાં જેલ સત્તાવાળાઓને સફળતા મળી હતી.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા એક સપ્તાહથી સતત મોબાઈલ ફોન મળવાની ઘટનાનો સીલસીલો શરૂ થયો છે. ગઈકાલે એક સાથે ૪ મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવતા ચોકી ઉઠેલા અધિકારીઓએ જે તે બેરેકમાં રહેતા કેદીઓની પુછપરછ કરવામાં આવી હતી પરંતુ તમામ કેદીઓએ આ મોબાઈલ ફોન પોતાનો નહી હોવાનું જણાવ્યું હતું.
જેના પગલે જેલ સત્તાવાળાઓએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મોબાઈલ ફોનની સંપૂર્ણ હકીકત જાણવા તથા તેમાંથી કોને કોને ફોન કરવામાં આવે છે તે વિગતો મેળવવા માટે ચારેય ફોન એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે અને એફએસએલના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.