સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા કાપી રહયા છે આ પરિસ્થિતિમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાનો સીલસીલો ચાલી રહયો છે ત્યારે જેલ સત્તાવાળાઓ દ્વારા નિયમિત તમામ કેદીઓનું અને બેરેકોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે આ ઉપરાંત જેલની અંદર કેદીઓ ઉપર ચાંપતી નજર રાખવા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે આ પરિસ્થિતિ વચ્ચે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગઈકાલે મોડી સાંજે એક પાકા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે
આ ઘટનાથી જેલ સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી છે કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ અંગેની જાણ રાણીપ પોલીસને કરવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરક્ષાના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખૂંખાર આંતકવાદીઓ સહિત અનેક નામચીન ગુનેગારો સજા કાપી રહયા છે જેના પગલે જેલ પ્રશાસન તંત્ર સતત એલર્ટ પર હોય છે જેલમાંથી મોબાઈલ ફોન પકડાવાની ઘટના બાદ તંત્ર વધુ સક્રિય બન્યુ છે અને રોજ નિયમિત રીતે તમામ કેદીઓની જડતી તથા બેરેકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે
આ તપાસ દરમિયાન મોબાઈલ ફોનો મળ્યા હતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં જુદી જુદી બેરેકોમાં આરોપીઓને રાખવામાં આવે છે પાકા કામના કેદીઓને અલગ રાખવામાં આવતા હોય છે અને તેમાં પણ ખૂંખાર આરોપીઓ માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સાબરમતી સેન્ટ્રલ જેલ સત્તાવાળાઓએ સાબરમતી જેલના સંકુલમાં પ્રત્યેક સ્થળ પર નજર રાખી શકાય તે માટે સીસીટીવી કેમેરા લગાડી દીધા છે અને તેના મારફતે દરેક કેદી પર નજર રાખવામાં આવી રહી છે
એટલું જ નહી પરંતુ શંકાસ્પદ હિલચાલ કરતા કેદીઓની પણ પુછપરછ કરવામાં આવે છે આ સઘન વ્યવસ્થા વચ્ચે ગઈકાલે એક ચોંકાવનારી ઘટના સાબરમતી સેન્ટ્રલ જેલમાં બની હતી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદી રમેશ હિતુજી ઠાકોરે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાપડની સ્ટોર પાસે આવેલા પીપળાના ઝાડ પાસે આંટા માર્યા હતા અને ત્યારબાદ ગઈકાલે રાત્રિના સમયે ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઝાડ પર પાકા કામના કેદીનો મૃતદેહ લટકતો જાતા જ જેલ પ્રશાસન તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક રમેશ ઠાકોરના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અધિકારીઓએ રમેશ ઠાકોરની જાડે રહેતા કેદીઓની પણ પુછપરછ શરૂ કરી હતી જાકે તેમાં કોઈ નકકર માહિતી કે વિગતો જેલ સત્તાવાળાઓને મળી શકી નથી જેલ સત્તાવાળાઓએ આ અંગેની જાણ રાણીપ પોલીસને કરતા રાણીપ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં જેલમાં પાકા કામના કેદીએ કરેલી આત્મહત્યાની ઘટનાથી તાત્કાલિક હરકતમાં આવેલા અધિકારીઓએ તપાસનો આદેશ આપી દીધો છે.
રાણીપ પોલીસે રમેશ ઠાકોરના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આત્મહત્યાનું કારણ જાણવા માટે સાથી કેદીઓની પુછપરછ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં સફળતા મળી નથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલીસ અધિકારીઓ દ્વારા સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને ગઈકાલે રાત્રે બનેલી ઘટનાને ખૂબ જ ગંભીર ગણવામાં આવી રહી છે આ ઘટના બાદ જેલ સત્તાવાળાઓ દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.