સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૪ કલાકમાં ૩૫ કેદીઓ પોઝિટિવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Sabarmati.jpg)
Files Photo
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે જે અજગરી ભરડો લીધો છે, તેમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદ શહેરની થઇ છે. અમાદાવાદમાં અત્યારે એટલા કેસ આવી રહ્યા છે, જેટલા એક સમયે આખા રાજ્યમાં નહોતા આવતા. મૃયુઆંક પણ સતત વધી રહ્યો છે. દર્દીઓ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
સાબરમતી જેલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય ૫૫ કેદીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યની સૌથી મોટી જેલ એવી સાબરમતી જેલમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાનો ફેલાવો થતા તંત્રમાં હડકંપ મચ્યો છે. જેલમાં કોરોના વિસ્ફોટ થયા બાદ હવે દરેક કેદીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સાબરમતિ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં ગણતરીના કલાકોમાં જ ૩૫ દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કુલ ૫૫ જેટલા કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે જેલના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં પોઝિટિવ રિપોર્ટ આવનાર કેદીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.’