સામાન્ય અકસ્માતની તકરારમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આ સ્થિતિમાં ગોમતીપુરમાં પૈસાની લેતીદેતીમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયાની ફરીયાદ નોંધાઈ છે.
મોહમ્મદ રમઝાન શેખ (રહે.ગરીબનવાઝ મસ્જીદની બાજુમાં, કરીમ ચૌધરીની ચાલી સામે, ગોમતીપુર) છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે રમઝાનભાઈ પોતાનું એક્ટીવા લઈને ઘર આગળથી પસાર થતા હતા એ વખતે તેમની પાડોશમાં જ રહેતાં સલમાન ઈશાકભાઈના એક્ટીવા સ્કુટર સાથે ટક્કર વાગતા બંન્ને એકબીજા સાથે ઝઘડ્યા હતા.
જેના પગલે સલમાન ઉશ્કેરાઈને પોતાના ઘરેથી તલવાર લઈને આવ્યો હતો. દરમ્યાનમાં સલમાનનો મિત્ર ઈસ્તિયાક ઈસ્માઈલભાઈ તથા સરસપુર ખાતે રહેતો મોહમ્મદ શાહીદ નામનો શખ્સ પણ હાથમાં બેઝબોલ લઈને આવી પહોંચ્યા હતા. અને રમઝાનભાઈ કોઈ સમજે એ પેહલાં જ સલમાને તેમના માથામાં તલવારના ઘા મારી દીધા હતા.
જ્યારે ઈસ્તિયાક તથા શાહીદે પોતાના હાથમાં રહેલા બેઝબોલ વડે ફટકારતા રમઝાનભાઈને ચહેરા સહિત શરીરના ઘણા ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના દરમ્યાન બુમાબુમ થઈ જતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયુ હતુ. અને રમઝાનભાઈના પરિવારના સભ્યો પણ બહાર આવી જતાં સલમાન તથા અન્ય બંન્ને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા રમઝાનભાઈને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. હોસ્પીટલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે પણ રમઝાનભાઈનું નિવેદન લીધું હતુ. બાદમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર ત્રણેયે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.