સામાન્ય જનતાને મોટો આંચકોઃ એલપીજી સિલિન્ડર ફરી મોંઘો થયો
નવીદિલ્હી, જુલાઈ મહિનાના પહેલા દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના એલપીજી રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧ રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે. હવે નવો ભાવ વધીને ૫૯૪ રૂપિયા થઈ ગયો છે. અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધી ગયા છે. કોલકાતામાં ૪ રૂપિયા, મુંબઈમાં ૩.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૪ રૂપિયા મોંઘો થયો છે. જોકે, ખુશખબર એ છે કે ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો છે. આ પહેલા દિલ્હીમાં જૂન મહિના દરમિયાન ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૧.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થયો હતો. બીજી તરફ, મે મહિનામાં ભાવ ૧૬૨.૫૦ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.
વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરના ભાવમાં એક રૂપિયા સુધી વધારો થયો છે. હવે દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૫૯૩ રૂપિયાથી વધીને ૫૯૪ રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં ૬૧૬ રૂપિયાથી વધીને ૬૨૦.૫૦ પ્રતિ ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડર થઈ ગયો છે. મુંબઈમાં ૫૯૦ રૂપિયાથી વધીને ૫૯૪ રૂપિયા અને ચેન્નઇમાં ૬૦૬.૫૦ રૂપિયાથી વધીને ૬૧૦.૫૦ રૂપિયા થઈ ગયો છે. ૧૯ કિલોવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૧૩૯.૫૦ રૂપિયાથી ઘટીને ૧૧૩૫ રૂપિયા થઈ ગયો છે.