સામાન્ય ટેસ્ટ માટે દાખલ વૃદ્ધાને શેલ્બી હોસ્પિટલે ૭૦ હજારનું બિલ ફટકાર્યું
ફરિયાદ થતાં નીતિન પટેલે હોસ્પિટલને ખખડાવતા ૩૦ હજાર જ લીધા -ખાનગી હોસ્પિટલમાં ખુલ્લેઆમ અને બેફામ રીતે લૂંટ કરાઈ રહી છે
અમદાવાદ, અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. એસ જી હાઈ વે રોડ પર આવેલી શેલ્બી હોસ્પિટલમાં સ્કૂલ પાસ કરાવવા માટે એક વૃદ્ધાને દાખલ કરાઈ હતી. જેના પેટે હોસ્પિટલે તેમને માત્ર ડોઢ દિવસનું જ ૭૦ હજારનું બિલ ફટકાર્યું હતું. રકમ જાેઈને ચોંકી ઉઠેલા વૃદ્ધાના પુત્રએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરિયાદ કરી હતી. તેઓએ હોસ્પિટલના સંચાલકોને ખખડાવતા આખરે દર્દી પાસેથી ૩૦ હજાર જ લેવાયા હતા.
સેટેલાઈટમાં પ્રહલાદનગર નજીક રહેતા ૮૭ વર્ષના કાન્તાબેન શાહને સ્ટૂલ પાસ થતું નહોતું. આથી તેમને શેલ્બી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગમાં વૃદ્ધાને ૪ કલાક રાખીને સારવાર કરાઈ હતી. જેના પેટે ૮૫૦૦ લેવાયા હતા. તેમજ વૃદ્ધાને દેખરેખ માટે એક દિવસ આઈસીયુમાં દાખલ કરવાનું કહેવાયું હતું. એક દિવસની સારવાર બાદ કોરોનાનું ટેસ્ટીંગ કરવા કહ્યું હતું. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
બીજા દિવસે હોસ્પિટલે વૃદ્ધાની સારવાર પેટે ૭૦ હજારનું બિલ ફટકારતા તેનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. હોસ્પિટલને ખૂબ જ વિનંતીએ કરી કે આટલું બધું બિલ ન હોય. પરંતુ હોસ્પિટલ માનતી નહોતી. આથી વૃદ્ધાના પુત્ર અનિલે હેલ્થ સેક્રેટરીને મેસેજાે કર્યા હતા. પણ કોઈ મદદ નહીં મળતા જેથી તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને પોતાની આપવીતી જણાવી મદદ માંગી હતી.
જે સાંભળીને નીતિન પટેલે હોસ્પિટલના સ્ટાફને ફોન પર જ ખખડાવ્યો હતો. ત્યાર બાદ દોઢેક કલાક સુધી માથાકૂટ ચાલી હતી. અંતે હોસ્પિટલે ૭૦ હજારને બદલે ૩૦ રૂપિયામાં દર્દીના પુત્ર સાથે સમાધાન કર્યું હતું. આમ ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય સારવાર માટે પણ બેફામ લૂંટફાટ થઈ રહી હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.