સામાન્ય બાબતમાં ભાઇએ મોટાભાઇની ક્રૂર હત્યા કરી
સુરત: સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે ગતરોજ કતારગામ વિસ્તાર રહેતા રત્નકલાકાર બે ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક ભાઈએ બીજા ભાઈની કરપીણ હત્યા કરી છે. આ અંગેની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેવામાં સુરત થોડા દિવસ થાયને હત્યા અથવા હત્યાના પ્રયાસના ગુના બનતા હોય છે. ત્યારે ગતરોજ સામાન્ય બાબતે એક ભાઈ દ્વારા બીજા ભાઈની હત્યાની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતા જગદીશ એસ્ટેટ્સ ખાતે આવેલા એક ડાયમંડના કારખાનામાં કામ કરતા બે ભાઈ બાબુ અને જશુ ઠાકોરને જમવા બાબતે ઝગડો થયો હતો.
બંન્ને ભાઇઓ વચ્ચે સામાન્ય બાબતથી શરૂ થટેલો ઝઘડો ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો. જેમાં નાના ભાઇ જશુએ મોટા ભાઇ બાબુ પર ડાયમંડ ઘસવાના ઓજારથી હુમલો કર્યો હતો. જેથી મોટા ભાઇની ઘટનાસ્થળે જ મોત નીપજી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ સુરતમાં ઇજાગ્રસ્ત મહિલા મળી આવી હતી.
સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં.