સામાન્ય લોકોેના ૧૦ કરોડની રકમ ચાઉ કરી ગઈ ટોળકી
જામનગર: જામનગરમાં ઓમ ટ્રેડિંગના નામે રોકાણની લાલચ આપી રૂપિયા દસ કરોડ જેટલી રકમ ઓળવી ગયાનું પ્રકરણ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જામનગરમાં ૩૫થી વધુ લોકોના નાણા હજમ કરી જનાર બે મહિલા સહિતના સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.જામનગરના ચાર નિવૃત આર્મીમેન સહિતના લોકોએ રોકાણના નામે નફો મેળવવા ની લાલચમાં ૧૦ કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
જામનગરના અંબર સિનેમા નજીક આવેલી એક રોકાણકારની પેઢીના સંચાલકો અને વ્યવસ્થાપક સહિત સાત લોકોએ જામનગરના ૩૫ થી વધુ નાગરિકોના ૧૦ કરોડ થી વધુ રકમના નાણાં રોકાણના બહાને મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ૭ લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રત્યેક રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ ના બહાને છેલ્લા ત્રણ વર્ષથી પેઢીના સંચાલકો દ્વારા લોકો પાસેથી નાણાં એકઠા કરતા હોવાનું અને છેલ્લા છ મહિનાથી પેઢીને તાળા મારી લાપતા બની ગયાનું સામે આવ્યું છે.
જામનગરમાં અંબર સિનેમા રોડ પર નિયો સ્ક્વેર કોમ્પ્લેક્સના જી ૩૯માં ઓમ ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા, અને તેના પિતા મહેન્દ્રભાઈ ધબ્બા, ઉપરાંત ભાઈ હિરેનભાઈ ઘબ્બા અને મહેન્દ્રની પત્ની આશાબેન સહિતના સાતેય શખ્સોએ રોકાણ માટે ની પેઢી શરૂ કરી હતી અને લોકોને નાણાં રોકાણ કર્યા પછી ઊંચું વળતર આપવાની સ્કીમ મુકી હતી.
ત્રણેક વર્ષ પહેલા રોકણ કરવાની લાલચ આપી જામનગરના લોકોનો સંપર્ક શરૂ કર્યો હતો, જેમાં હસમુખસિંહ જિતુભા પરમાર, તૌસિફ બસીરભાઈ શેખ ને પણ ઓફિસ વર્ક માટે મદદમાં લેવાયા હતા, જ્યારે સંગીતાબેન નામની એક મહિલાને એકાઉન્ટન્ટ તરીકે રાખવામાં આવી હતી. જેમાં આજથી ત્રણ વર્ષ પહેલા જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા રણવીર પ્રતાપસિંહ સુધાકરસિંહ નામના નિવૃત્ત આર્મીમેને રોકાણ શરૂ કર્યું હતું. તેઓએ કટકે-કટકે પોતાના ૩૩ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યાર પછી તેમની સાથે અન્ય ત્રણ આર્મીમેનો એ પણ રોકાણ કર્યું હતું. શરૂઆતમાં એક સમયે ૧૦ ટકા જેટલું વળતર આપવાનું શરૂ કર્યુ હતું.
જેથી અનેક લોકોને રસ પડયો હતો. અને ધીમે ધીમે ઓમ ટ્રેડિંગ કંપની માં રોકાણ શરૂ થયું હતું. જેમાં પાંત્રીસેક વ્યક્તિના ત્રણ કરોડ દસ લાખ પચીસ હજાર જેટલી રકમ રોકાણ માટે જમા થઈ હતી.
આ ઉપરાંત પણ અનેક લોકોએ રોકાણ કર્યું હતું. અંદાજે ૧૦ કરોડ રૂપિયા રૂપિયા નું ઑમ ટ્રેડિંગ કંપની માં રોકાણ થઈ ગયા પછી પેઢીના સંચાલકો દ્વારા વળતર ચૂકવવામાં હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા. અને છેલ્લા ૬ મહિનાથી પેઢીને પણ તાળા લગાવી દેવાયા હતા.
જેથી રોકાણકારો મુંજાયા હતા. આખરે મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો, અને આ મામલે સિટી બી ડિવિઝન પોલીસમાં નિવૃત્ત આર્મીમેન રણવીરપ્રતાપસિંહ સુધાકરસિંહ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસે ઓમ ટ્રેંડિંગ ના સંચાલકો હિરેન ધબ્બા,મહેન્દ્ર ધબ્બા, જય ધબ્બા, આશાબેન ધબ્બા, ઉપરાંત હસમુખસિંહ પરમાર, તોસીફ શેખ અને સંગીતાબેન સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦,૧૨૦.બી. ૧૧૪ ઉપરાંત પ્રાઇઝ મની સર્ક્યુલેશન એક્ટ ૧૯૭૮ ની કલમ ૩,૪ અને ૫ મુજબ ગુનો નોંધ્યો છે.