Western Times News

Gujarati News

સામાન્ય વરસાદમાં જશોદાનગર સર્કલ પાસે રસ્તો બેસી ગયો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભાઈબીજના દિવસે મોડી સાંજથી વરસાદ પડવાનો શરૂ થયો હતો મોડીરાત સુધી ધીમીધારે વરસાદ પડતાં જનજીવન પર અસર પડી હતી. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં આ વખતે સતત વરસાદના કારણે રસ્તાઓ તૂટી જવા તથા ખાડાઓ અને ભૂવાઓ પડવાની ઘટનાના કારણે ભારે ઉહાપોહ મચ્યો હતો. આ અંગે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા હતા. હાઈકોર્ટે પણ આ મુદ્દે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી બીજીબાજુ મ્યુનિ. કોર્પો. દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓ તોડવાની કામગીરી જાહેર કરવી પડી હતી.

બીજીબાજુ ભૂવાઓ પણ પુરવા માટે કોર્પોરેશનનું તંત્ર સજ્જ થયું હતું. અમદાવાદ શહેરમાં ઠેરઠેર ભૂવાઓ પડયા હતા અને તે ખૂબ જ જાખમી હતાં મ્યુનિ. તંત્ર દ્વારા આ કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવતો હતો આ દરમિયાનમાં ફરી એક વખત ગુજરાત પર વરસાદની સીસ્ટમ સક્રિય બનતા રાજયભરમાં પાંચ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે ભાઈબીજના દિવસે મોડી રાત સુધી વરસાદ પડયો હતો. આ દરમિયાનમાં શહેરના જશોદાનગર ચાર રસ્તા પાસે સર્કલ નજીક સામાન્ય વરસાદમાં પણ રસ્તો બેસી ગયો હતો જેના પરિણામે સમગ્ર રસ્તો ખૂબ જ જાખમી બન્યો હતો આ દરમિયાનમાં કેટલાક સ્થાનિક નાગરિકો દોડી આવ્યા હતા અને કોઈ ગંભીર ઘટના ન સર્જાય તે માટે આ સ્થળ પર આડાશો મુકી દીધી હતી.

આ દરમિયાનમાં બેસી ગયેલા રસ્તા પર વિશાળ ભૂવો પડતાં સવારથી જ આ રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે અને વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.

આ અંગેની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ પણ સવારથી જ દોડી આવ્યા છે અને બેરીકેટ લગાડી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા યુધ્ધના ધોરણે આ રસ્તાના મરામતનું કામ તથા ભૂવો પુરવાનું કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.