સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કડાણાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

લુણાવાડા :: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય હાલમાં ઝઝૂમી રહ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહી આવેલ કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ છે.
જિલ્લામાં કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ સરસવા, મુનપુર અને ડીટવાસના સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની તેમજ કડાણા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે કોરોના સંદર્ભે રાખવાની સાવચેતી માટેના અનેક પગલાં માટે ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે આરોગ્ય ટીમ દ્વારા થયેલ જમીન સ્તરની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ મુલાકાત સમયે તેમની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પણ સાથે રહ્યા હતા.