સામુહિક આરોગ્ય કેન્દ્ર – તારાપુર ખાતે આરોગ્ય મેળો યોજાયો
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા.
આણંદ : સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળાના માધ્યમથી લોકોની આરોગ્ય સુખાકારીનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર ખાતે આજે જિલ્લાનો આઠમો અને છેલ્લો આરોગ્ય મેળો યોજાયો હતો. સોજિત્રાના ધારાસભ્યશ્રી પૂનમભાઇ પરમારે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચે અને તેનો લાભ લોકો મેળવે તે માટે રાજય સરકાર દ્વારા આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહયા છે.
તેમ જણાવી તારાપુર અને આજુબાજુના ગામોમાંથી આવતા પ્રજાજનોને સારામાં સારી સારવાર પુરી પડવા બદલ ર્ડાકટર્સ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજયભાઇ ભરવાડે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય મેળાના માધ્યમથી દરેક પ્રકારના રોગોની તપાસ અને સારવાર તથા વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી રહી છે તેમ જણાવી આરોગ્ય મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-તારાપુરના જનરલ સર્જન ર્ડા. આર.બી.બૈશે રાજય સરકાર દ્વારા ઘર આંગણે આરોગ્ય મેળો યોજવામાં આવ્યો છે, તેમ જણાવી તેનો મહત્તમ લાભ લેવા તથા પ્રત્યેક વ્યકતિને તેમના આરોગ્યની નિયમિત ચકાસણી કરાવવા અપીલ કરી હતી.
તેમણે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને વિના વિલંબે કાર્ડ કઢાવી લેવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ અને અન્ય લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય મેળામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થી બાળકોના વાલીઓએ તેમના પ્રતિભાવો રજુ કરી તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવેલ ઓપરેશન –સારવાર સહિતની આરોગ્ય સેવાઓ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રારંભમાં મેડીકલ ઓફિસરશ્રી ર્ડા.એમ.એમ.પરમારે સૌનો આવકારી આરોગ્ય મેળાના માધ્યમથી આપવામાં આવનાર લાભો વિશેની જાણકારી આપી હતી, જયારે અંતમાં તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. કે.ડી.પાઠકે સૌના પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે અગ્રણી સર્વ શ્રી ધર્મન્દ્રભાઇ પટેલ, જયશ્રીબા, અરવિંદભાઇ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, ર્ડા. શાલીની ભાટીયા, ર્ડા.આલોક કુલશ્રેષ્ઠ, મામલતદારશ્રી પ્રિતીબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રમણભાઇ રાણા, સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર્સ સહિત આરોગ્ય કર્મીઓ તેમજ તારાપુર અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.