સાયકલ ક્વિન જ્યોતિ કુમારી પર ફિલ્મ બનશે
પટણા લોકડાઉન દરમિયાન બિહારની દિકરી જ્યોતિ કુમારી પાસવાન રાતો-રાત પ્રસિદ્ધ થઈ હતી. જ્યોતિ પોતાના બીમાર પિતાને સાયકલ પર બેસાડીને હરિયાણાના ગુરુગ્રામથી ૧૨૦૦ કિલોમીટર દૂર બિહારના દરભંગા લઈ ગઈ હતી. દેશના તમામ લોકોએ જ્યોતિના આ સાહસની પ્રશંસા કરી હતી. હવે જલદી જ્યોતિના સાહસની કહાણી મોટા પડદા પર દેખાડાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ‘વી મેક ફિલ્મ્સ’ નામની કંપનીએ જ્યોતિની જિંદગી પર ફિલ્મ બનાવવા માટેના રાઈટ્સ હાંસલ કરી લીધા છે. આ પ્રોજેક્ટની શૂટિંગ ઓગષ્ટમા શરુ થશે, જ્યોતિ આ ફિલ્મમાં લીડ રોલ કરશે. ફિલ્મમાં કામ કરવા અંગે વાતચીત કરતાં જ્યોતિએ કહ્યું કે,‘મને ખૂબ સારું લાગી રહ્યું છે.’ આ ફિલ્મનું નામ ‘આત્મનિર્ભર’ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં જ્યોતિની કહાનીની સાથે સાથે એ સિસ્ટમની ખામીઓ પર પ્રકાશ પાડવામાં આવશે, જેના કારણે જ્યોતિને સાયકલ ચલાવીને આટલું લાંબુ અંતર કાપવું પડ્યું હતું.
ફિલ્મ ડાયરેક્ટર સાઈન કૃષ્ણાએ કહ્યું કે, આ ફિલ્મને એ સ્થાનો પર શૂટ કરવામાં આવશે, જે ગુરુગ્રામથી દરભંગા સુધી જ્યોતિની યાત્રાનો હિસ્સો હતા. ફિલ્મને ફિક્શનનો પણ તડકો લગાવવામાં આવશે. કૃષ્ણાએ આગળ કહ્યું કે, ફિલ્મને હિંદી, અંગ્રેજી અને મૈથલી ભાષામાં બનાવાશે. જ્યોતિના પિતાનો રોલ ભજવી શકે એ માટે અભિનેતાની શોધ કરાઈ રહી છે.
વિદેશી દર્શકો માટે ફિલ્મ ‘એ જર્ની એ માઈગ્રન્ટ’ નામથી રિલીઝ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ કુમારીની પ્રશંસા દુનિયાભરમાં થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કાએ ટ્વીટ પર જ્યોતિ કુમારીની પ્રશંસા કરી હતી.
ઈવાન્કાએ ટ્વીટર પર જ્યોતિના સાહસના ન્યૂઝ શેર કર્યા હતા અને ભારતીયોની સહનશીલતાની પ્રસંશા કરી હતી. આ ઉપરાંત ભારતના અનેક મંત્રીઓ, રાજનેતાઓ, અધિકારી, બિઝનેસ ટાયકૂન અને સેલેબ્રિટીઓએ પણ જ્યોતિની સાહસની ભરપેટ પ્રશંસા કરી હતી. આ સાહસ બાદ એક સવાલના જવાબમાં જ્યોતિએ કહ્યું કે, જીવન ખૂબ બદલાઈ ગયું છે. પરિવારમાં પરિવર્તન આવ્યું છે અને ગ્રામીણ લોકો તરફથી પણ ખૂબ સમર્થન મળી રહ્યું છે.