સાયક્લોનિક સર્ક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો
કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતીત
વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ ગુજરાતને માવઠાનો સામનો કરવો પડી શકે છ ૧ જાન્યુઆરીથી ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય કક્ષાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ રચાવવાનું શરૃ થઇ ગયું છે. ૨જી જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે આ ટ્રફને વધુ મજબૂત બનાવતાં રાજ્યના અનેક જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરતા સંભાવનાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો થયો છે
એક સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની બે સિસ્ટમ સક્રીય થતા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે આકાશે વાદળો ગોરંભાતાં ખેડૂતો ચિંતીત બન્યા છે હવામાન વિભાગે પણ હળવો વરસાદ પડે તેની સંભાવના વ્યક્ત કરી છે
ત્યારે હળવા વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.વરસાદની સંભાવનાને પગલે ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડમાં ખેડૂતોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જાણકારી આપવામાં આવી છે. ગત વર્ષે કમોસમી વરસાદને લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો હતો.
અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલના જણાવ્યા મુજબ આ કમોસમી વરસાદની સંભાવનાઓને લઈ ખેડૂતો એ જે કપાસ કાઢેલ હોય અને દિવેલાની માળ દેવાની હોય તે વણી લેવા સુરક્ષિથ જગાએ રાખવા અને ખેતર, ગોડાઉન કે ઘર – પરસાળમાં ખુલ્લામાં પડેલ ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવી.
પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો તેમજ યાર્ડોમાં ખુલ્લામાં પડેલ જણસો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી લેવી અને આ વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરાયેલ હોય મોબાઈલ ફોન, ટોર્ચ હાથ વગા રાખવા અને આગામી ૩ દિવસ દરમ્યાન ખેડૂતો, પ્રજાજનો અને વેપારીઓએ જરૂરી કાળજી રાખવી એમ જણાવાયું છે.