સાયખા કેમિકલ ઝોનમાં આવેલ જય કેમિકલમાં લાગેલ ભયંકર આગમાં યુનિટ બળીને ખાખ થયુ
ભરૂચ: ભરૂચ જીલ્લા ના સાયખા ઔદ્યોગિક નગરીમાં આવેલ જય કેમિકલ કંપનીમાં અચાનક ભયંકર આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.સદ્દનસીબે કોઈજ જાન હાની નહી થઈ હોવાની આધાર ભૂત સૂત્રો દ્ધારા માહિતી સાંપડી છે.ઘટના સ્થળે બે ફાયર ફાઈટરોએ પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.આગ ની લપેટમાં આખી કંપની આવી જતા ભારે આર્થિક નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી છે.
વાગરા તાલુકાના સાયખાં ગામ નજીક કેમિકલ ઝોનમાં આવેલ જય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં સવારના નવ વાગ્યાની આસપાસ કોઈક કારણસર કંપનીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગ એટલી ભયાનક હતી કે કંપની થી દુર આવેલ વાગરા નગર સહિત વિલાયત આસપાસના ૧૦ કી.મી. ની ત્રિજયામાં આવેલ આકાશમાં ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ જોઈ શકાતા હતા.આકાશમાં દેખાતા ધુમાડા ને પગલે લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.આગ પર કાબુ મેળવવા વિલાયત જી.આઈ.ડી.સી માં આવેલ ગ્રાસીમ અને જુબીલન્ટ અને કલરટેક્સ કંપનીના ફાયર ફાઈટરો એ સરાહનીય પ્રયાસ કર્યો હતો.પરંતુ આખે આખી કંપની આગની ચપેટ માં આવી હોવાથી ટ્રેકટર-ટેન્કરના પાણી નો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
જોકે આગ લાગ્યા ના બે કલાક બાદ દહેજ અને ભરૂચ જાણ કરાતા અન્ય ફાયર ફાઈટરો પહોંચતા કંપની સત્તાધીશોએ રાહત નો દમ લીધો હતો.જય કેમિકલ કંપનીમાં આગ લાગતા તેમાં કામ કરતા કામદારોના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા.આ લખાઈ રહ્યુ છે.ત્યારે હજુ સુધી કોઈજ જાનહાની નહિં થયા અંગેની માહિતી આધાર ભૂત સૂત્રો દ્ધારા સાંપડી છે.આગ ને પગલે આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.સુરક્ષાના અભાવે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.છેલ્લા એક વર્ષ થી કાર્યરત થયેલ કંપની માં આગમાં હોમાઈ જતા કંપની ભારે આર્થિક નુકશાન થયુ હોવાની ભીતિ સેવાઈ રહી છે.