સાયનમાંથી ૭ કિલો હેરોઈન સાથે એક મહિલા ઝડપાઈ

મુંબઈ, મહારાષ્ટ્રમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલે બુધવારે ભારે મોટી કાર્યવાહી કરી છે. સેલને સાયન વિસ્તારમાંથી ૨૧ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા ૭ કિગ્રા હેરોઈન સાથે એક મહિલાને ઝડપી લીધી હતી. મહિલા ડ્રગ સપ્લાયરને કસ્ટડીમાં લઈને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
મહિલાની ઓળખ માનખુદ નિવાસી અમીના હમજા શેખ ઉર્ફે લાલી તરીકે કરવામાં આવી છે. મુંબઈ એએનસીના અધિકારીના કહેવા પ્રમાણે જપ્ત કરવામાં આવેલા હેરોઈનને મુંબઈમાં સક્રિય અન્ય ડ્રગ્સ સપ્લાયર્સ અને ગ્રાહકોમાં વિતરિત કરવાનું હતું.
એએનસીની વર્લી અને ઘાટકોપર ટીમે ૨૦૧૫ અને ૨૦૧૮ના વર્ષમાં પણ લાલીની પ્રતિબંધિત દવાઓના સપ્લાયમાં કથિત ભૂમિકાને લઈ ધરપકડ કરી હતી.
મુંબઈ એએનસીના ડીસીપી દત્તા નલવાડેના કહેવા પ્રમાણે એએનસીના ઘાટકોપર એકમના અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતીના આધાર પર સાયન કોલીવાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને લાલીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ (એનડીપીએસ)ની કલમ ૮ (સી) અને ૨૧ (સી) અંતર્ગત પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. આરોપીના કહેવા પ્રમાણે તેણે રાજસ્થાનના નૌગામા ગામના ૨ તસ્કરો પાસેથી માદક પદાર્થ મગાવ્યો હતો.SSS