સાયન્સ સિટીમાં હવે મંગળવારથી શુક્રવાર દરમ્યાન રૂ.499માં વિજ્ઞાનની અદભુત દુનિયાની સફર માણવા મળશે
29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC -2021)-રાષ્ટ્રીય કક્ષાની ચાર દિવસિય ‘29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ-2021’નો સાયન્સ સિટી ખાતેથી પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
છેલ્લાં 6 મહિનામાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સીટીની મુલાકાત લીધી– શ્રી વિજય નહેરા
499/- માં મુખ્ય પ્રવેશ, એક્ટિવિટ ગેલેરી, 5ડી થિએટર, રોબોટિક્સ ગેલેરી, 1 વીઆર રાઇડ, થ્રિલ રાઇડ, મિશન ટુ માર્સ રાઇડ, 4ડી થિએટર, અર્થક્વેક એક્સ્પીરિયન્સ રાઇડ અને કોલ માઇનની મજા મુલાકાતીઓ લઇ શકશે.
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય કક્ષાની ચાર દિવસિય ‘29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ-2021’નો સાયન્સ સિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવામાં સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રનું પણ મહત્વનું યોગદાન રહેવાનું છે.
સાયન્સ અને ટેક્નોલોજી તેમજ સંશોધન ક્ષેત્રે યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ- અપેક્ષાઓ છે અને ભારતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજા-કલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, 15 થી 18 ફેબ્રુઆરી – 2022 દરમ્યાન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાનારા આ 4 દિવસીય રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં 658 બાળ વૈજ્ઞાનિકો તેમના સંશોધનો રજૂ કરશે, જેમાં ખાડી દેશના 15 વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ રહ્યા છે. એટલું જ નહીં, 93 રાજ્યના સહયોજકો અને 373 જિલ્લાના શૈક્ષણિક સહયોજકો સાથે 500થી વધુ શિક્ષકો તથા રાષ્ટ્રીય સહલાકાર સમિતિના સભ્યો પણ સહભાગી થયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમદાવાદની સાયન્સ સીટીનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાયન્સ સીટી 2.0ના કાર્યક્રમમાં બાળકોની સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સાયન્સનો ફેલાવો કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાયન્સ સીટી બખૂબી પરિપૂર્ણ કરી રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના સતત માર્ગદર્શનથી સાયન્સ સીટી વિશ્વ સ્તરીય નજરાણું બન્યું છે તેમ પણ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, આસપાસની દુનિયામાં થતી વિવિધ ગતિવિધિઓને સમજીને અવનવા પ્રયોગો કરી વિજ્ઞાનના સમન્વયથી બાળકો પોતાની જિજ્ઞાસાને ઉજાગર કરે છે આ જિજ્ઞાસાને એક માધ્યમ પૂરું પાડવાનું કાર્ય આજના કાર્યક્રમ થકી થઇ રહ્યું છે.
બાળકોના સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમ વિશ્વને નવીનીકરણની ભેટ આપે છે. રાજ્યનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ બાળકોના વિજ્ઞાન ક્ષેત્રની જિજ્ઞાસા વધારવા અને તેમના નવોન્મેષ વિચારોને ગતિ આપવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
રાજ્યની સરકારી શાળાઓમાં પણ વિજ્ઞાન ક્ષેત્રે જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા બાળકોની સંખ્યા વદી છે તેમ જણાવી હવે સરકારી સ્કૂલના બાળકો અનેકવિધ ક્ષેત્રમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન થકી અગ્રિમ ક્રમાંક પ્રાપ્ત કરી રહ્યા છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
આ પ્રસંગ્રે શ્રી જીતુભાઇ વઘાણીએ 29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસમાં ભાગ લઇ રહેલા ફિઝિકલી તેમજ વર્ચ્યુઅલી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કોર્ડિનેટરને સાયન્સ સિટીની મુલાકાતની સાથો-સાથ સ્ટેચ્યુ ઓફ યુનિટ તેમજ ગુજરાતની મહત્વની જગ્યાઓની મુલાકાત લેવાનું પણ જણાવ્યું હતુ અને તેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સાયન્સ સિટીના વિવિધ આકર્ષણોનો વાસ્તવિક દર રૂ. 900 હતો તે દર હવે રૂ. 499 કરી દેવામાં આવ્યો છે.
હવે રૂપિયા 499ના દરમાં વિજ્ઞાનની અદભુત દુનિયાની સફર માળવા મળશે. જેમાં મુખ્ય પ્રવેશ, એક્ટિવિટ ગેલેરી, 5ડી થિએટર, રોબોટિક્સ ગેલેરી, 1 વીઆર રાઇડ, થ્રિલ રાઇડ, મિશન ટુ માર્સ રાઇડ, 4ડી થિએટર, અર્થક્વેક એક્સ્પીરિયન્સ રાઇડ અને કોલ માઇનની મજા મુલાકાતીઓ લઇ શકશેએમ તેમણે ઉમેર્યું હતું.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના જીલ્લા સ્તરીય વિજ્ઞાન કેન્દ્રો બાળકોની જિજ્ઞાસાને સકારાત્મક દિશા આપવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, સાયન્સ સિટીને શરૂઆતથી જ મુલાકાતીઓનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો છે. સાયન્સ સિટી 2.0નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું ત્યારથી જ વિજ્ઞાન, શિક્ષણ અને અનુભવના આદર્શ સ્થળ તરીકે બહોળા પ્રમાણમાં મુલાકાતીઓએ અહીની મુલાકાત લીધી છે.
એટલું જ નહીં, છેલ્લાં 6 મહિનામાં પાંચ લાખથી વધુ વિઝિટર્સે સાયન્સ સીટીની મુલાકાત લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે NCSTCના એડવાઇઝર એન્ડ હેડ પ્રવિણ અરોરા, ડિરેક્ટર શ્રી સુજીત બેનરજીવિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગના અધિક સચિવ શ્રીમતી ગાર્ગી જૈન, શ્રી નરોત્તમ સાહુ, જિલ્લા કોર્ડિનેટર અને બાળ વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.