સાયન્સ સિટી રોડ, રાજપથ કલબ રોડ અને એરપોર્ટ રોડને ‘દબાણ ફ્રી’ કરવામાં આવશે
(એજન્સી) અમદાવાદ,
શહેરમાં આવેલા રોડ પરના દબાણો હટાવવા માટે મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ સતત કાર્યરત છે. રોડ પર કે તેની ફૂટપાથ પર લારી-ગલ્લાના દબાણ હોય કે પછી અન્ય છૂટાછવાયા દબાણો કે ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કરાયેલા વાહનોથી રોડ પરની અવરજવર અવરોધાય છે. તંત્ર આ તમામ દબાણોને સમયાંતરે દૂર કરીને રોડને ‘દબાણ મુકત’ કરતું આવ્યું છે, તેમ છતાં સાયન્સ સિટી રોડ, રાજપથ કલબ રોડ અને એરપોર્ટ રોડ જેવા વીઆઈપી રોડને ‘દબાણ ફ્રી’ રાખવા માટે તંત્રએ વિશેષ કવાયત હાથ ધરી છે.
શહેરીજનો માટે રોડ પરના દબાણોની કોઈ નવાઈ નથી. કેટલીક વખત તો દુકાનદારો પોતાનો સામાન ફુટપાથ પર મુકીને આખી ફુટપાથ રોકી લેતા હોય છે. ઉપરાંત શાકભાજીની લારીઓ, ખાણીપીણીની લારીઓ, કટલરીનો સામાન વેચનારી લારીઓ, પાથરણાંવાળા વગેરેથી પણ રોડ અને ફૂટપાથ દબાણગ્રસ્ત થઈને સાંકડાં બની જતાં હોય છે.
જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરના વીઆઈપી ગણાતા રોડને આવા દબાણોથી મુકત રાખવા ખાસ આયોજન ઘડી કાઢયું છે. હાલમાં આ આયોજન મુજબ તંત્રએ સાયન્સ સિટી રોડ, રાજપથ કલબ રોડ અને એરપોર્ટ રોડને વિશેષ મહત્વ આપ્યું છે. આ ત્રણેય રોડ વીઆઈપી કેટેગરીમાં આવતા હોવાથી વીઆઈપી અને વીવીઆઈપી લોકો અહીંથી પસાર થતા હોય છે. તે વખતે આવા મહાનુભાવોને સમગ્ર રોડ દબાણો વગરના ચોખ્ખાચણાક જોવા મળે તે માટે ઉચ્ચસ્તરેથી ખાસ આદેશ આપવામાં આવ્યો છે.
સંબંધિત વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આ આદેશ મુજબ આ ત્રણેય વીઆઈપી રોડ પરના દબાણો દૂર કરવા માટે સતત ડ્રાઈવ હાથ ધરવાની રહેશે.અનેક વખત તંત્ર રોડ પરનાં દબાણોને દૂર કરે છે અને થોડા કલાકો પૂરતો કે બે-ત્રણ દિવસ પૂરતો તે રોડ પરથી આવવા-જવામાં વાહનચાલકો મોકળાશ અનુભવે છે, પરંતુ ત્યારબાદ તરત જ રોડ પર દબાણોનો રાફડો ફરી ફાટી નીકળે છે
અને સમગ્ર સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. આવું વીઆઈપી રોડના મામલે ન થાય તે માટે જ સંબંધિત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણ હટાવો ઝુંબેશ એકધારી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.શહેરના આ ત્રણેય વીઆઈપી રોડ પરનાં દબાણોને દૂર કરવા માટે સતત ડ્રાઈવ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય આદેશ