Western Times News

Gujarati News

સેન્ટ્રીફ્યુઝ આગમાં લપેટાઈને સાફ થયું હોવાનું ઈરાને સ્વીકાર્યું

સાયબર એટેકમાં ઈરાનનું પરમાણુ એકમ રાખ

ઈંટો વડે બનેલી બે માળ ઈમારત જોવા મળી જેમાં આગથી સળગવાના નિશાન અને છત સ્પષ્ટ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ
તહેરાન, ઈઝરાયેલે ઈરાનના એક પરમાણુ એકમને સાયબર હુમલો કરને તહસનહસ કરી નાંખ્યું છે. પોતાના ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાનું કહીને ઈરાને આ ઘટનાનું અનુમોદન પણ કર્યું છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે, સેન્ટ્રીફ્યુઝ એક એવું મશીન છે જે વિવિધ ઘનતા ધરાવતા દ્રવ્યો કે નક્કર પદાર્થોમાંથી તરલ પદાર્થોને અલગ કરવા સેન્ટ્રીફ્યુઝલ ફોર્સનો ઉપયોગ કરે છે.

ઈરાનના અધિકારીઓએ ગુરુવારે સવારે લાગેલી આગને જેણે ‘ઔદ્યોગિક શેડ’ને પ્રભાવિત કરેલ તેને એક સામાન્ય દુર્ઘટના ગણાવીને ટાળવા પ્રયત્ન કર્યો હતો. જો કે ઈરાનની સરકારી ચેનલ દ્વારા આ સ્થળની જે તસવીરો અને વીડિયો જાહેર કરવામાં આવેલા તેમાં ઈંટો વડે બનેલી બે માળની ઈમારત જોવા મળી જેમાં આગથી સળગવાના નિશાન અને છત સ્પષ્ટ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યા છે.

ઈરાનની પરમાણુ એજન્સીના પ્રવક્તા બેહરૂજ કમલવંદીએ જણાવ્યું કે, ૨૦૧૩માં આ કેન્દ્રનું કામ શરૂ થયેલું અને ૨૦૧૮માં તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીનોનું નિર્માણ કરવાની ઈચ્છા હતી. વધુમાં જણાવ્યું કે, આ નુકસાનના કારણે સંભવતઃ અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મશીન્સના વિકાસ અને ઉત્પાદનમાં મોડું થઈ શકે છે. કમલવંદીએ જણાવ્યું કે, માપન અને શુદ્‌ધતા માટેના ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયાં છે. આ કેન્દ્ર તહેરાને ૨૦૧૫માં વિશ્વની શક્તિઓ સાથે જે પરમાણુ સમજૂતીઓ કરેલી તેના કારણે જે પ્રતિબંધો લાગુ હતા તેના લીધે પૂરી ક્ષમતા સાથે નહોતું ચાલતું.

ઈરાને બે વર્ષ પહેલા અમેરિકા આ સમજૂતીમાંથી બહાર થયું તેને અનુલક્ષીને અદ્યતન સેન્ટ્રીફ્યુઝ મોડલ સાથે પ્રયોગો શરૂ કરી દીધેલા. ઈરાન ઘણા લાંબા સમયથી કહેતું આવ્યું છે કે તેના પરમાણુ કાર્યક્રમો શાંતિપૂર્ણ ઉદ્‌દેશો માટેના છે. આઈઆરએનએ એ આ દુર્ઘટના પાછળ પોતાના દુશ્મન ઈઝરાયલ અને અમેરિકા સામે શંકાની સોય તાકી હતી.

અગાઉ એક કુવૈતી અખબારે પણ ઈઝરાયલે ઈરાની ક્ષેત્રો પર સાઈબર એટેક કર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચારપત્રમાં ગુરૂવારે ઈઝરાયલના સાઈબર એટેકના કારણે ઈરાનના નતાંજ પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી જોરદાર વિસ્ફોટ થયો હોવાનો અહેવાલ રજૂ થયો હતો. આ સંપૂર્ણ કેન્દ્ર જમીનની અંદર બનાવવામાં આવ્યું છે અને આ ઈઝરાયલી હુમલા બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહકના પાછો ઠેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.