Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમના નિયંત્રણ માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ

અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, એકવીસમી સદી એ ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજીના માધ્યમ દ્વારા રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ અને સાયબર ક્રાઇમનું નિયંત્રણ થાય એ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.


વિધાનસભા ખાતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમની ફરિયાદના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ કહ્યું કે, ટેક્નોલોજીના યુગમાં ગુનેગારો હાય ફાય બનીને વાય ફાયનો ઉપયોગ કરીને ગુનાઓ કરતા થયા છે ત્યારે તેને નિયંત્રણમાં લેવા માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજીને આવનારા દિવસોમાં નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે અમારૂ નક્કર આયોજન છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરીને પૂરતું મહેકમ પણ ફાળવી દીધું છે. સાથે–સાથે રાજ્યની ૯ રેન્જમાં સાયબર સેલની રચના કરી દેવાઇ છે

રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચમાં અલાયદુ સાયબર સેલ કાર્યરત કર્યું છે, જ્યાં ચોવીસ કલાક નાગરિકોની ફરીયાદ લેવામાં આવે છે અને સંબંધિત પોલીસ સ્ટેશનને તેની જાણ કરીને ફરિયાદ પણ નોંધવામાં આવે છે. સાયબર પોલીસ સ્ટેશનોમાં ૮૨૨ થી વધુ અધિકારી – કર્મચારીઓનું મહેકમ ફાળવી દેવાયું છે.

સમગ્ર રાજ્યમાં ૪૩૦ અધિકારી – કર્મીઓને આ અંગે પ્રશિક્ષિત પણ કરી દેવાયા છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, સમાજ સમાજ વચ્ચે, કોમ-કોમ વચ્ચે સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા ખાઇ ઉભી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે તેને પણ અંકુશમાં લેવા માટે તથા લોકોને જાગૃત્ત કરવા અમારી સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે. સાયબર ગુનાના નિયંત્રણ માટે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીનો પણ વ્યાપક સહયોગ લઇને ડેમેજડ, હાર્ડડીશ, ટેમ્પર્ડ સીમ કાર્ડ, ઇન્ટરનેટ, કોમ્પ્યુકટર, સ્માર્ટ ફોનના ડેટાનું પણ ટેકનોલોજી દ્વારા પૃથ્થકરણ કરીને ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે.

જે લોકો પ્રોફાઇલ હેક કરીને ગુના કરે છે તેને માટે પણ આંતરરાષ્ટ્રિમય સંસ્થાઓ સાથે સંકલન કરીને ગુના નિયંત્રણના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા બાળકો-યુવાઓમાં માનસિક વિકૃતિ ન આવે તે માટે જો પોનોગ્રાફી ફિલ્મોનું ચલણ હશે તો તેને પણ ચલાવી લેવાશે નહી એ અમારો નિર્ધાર છે. તેમણે ઉમેર્યું કે, ટેક્નોલોજી દ્વારા આજે આર્થિક ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે.

ઓનલાઇન નાણાંનું ટ્રાન્સફર કરીને નાગરિકોના પૈસા પડાવી લેવામાં આવે છે તે માટે પણ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે જેના દ્વારા ૩,૭૧૭ નાગરિકોના ૧.૩૨ કરોડ નાણાં બચાવી લઇને પરત કરવામાં આવ્યા છે. જાડેજાએ ઉમેર્યું કે, સાયબર ક્રાઇમ સંદર્ભે નાગરિકોમાં જનજાગૃત્તિ આવે એ માટે વિવિધ જન-જાગૃત્તિ કાર્યક્રમો શાળા – કોલેજોમાં યોજીને સાયબર ક્રાઇમને લગતું સાહિત્યનું વિતરણ કરીને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન પણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.