Western Times News

Gujarati News

સાયરસ મિસ્ત્રી કંપનીના ચેરમેન પદ પર ફરી નહીં બેસે

નવીદિલ્હી, તાતા સન્સ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રી મામલામાં સતત કંઈક નવું થઈ રહ્યું છે. હવે તાતા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે, નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ દ્વારા પોતાના પક્ષમાં નિર્ણય આવ્યા છતાં તેઓ કંપનીના ચેરમેન પદ પર ફરી નહીં બેસે. નોંધનીય છે કે એનસીએલએટીએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાના ચુકાદામાં તાતા સન્સના ચેરમેન પદેથી મિસ્ત્રીને હાંકી કાઢવાને ગેરકાયદેસર જણાવતા તેમને ફરીથી આ પદ પર ફરી નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. મિસ્ત્રીનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે કે જ્યારે તાતા સન્સે સુપ્રીમ કોર્ટમાં એનસીએલએટીના ચુકાદાને પડકાર્યો છે.

તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ કહ્યું છે કે તેમને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે બોમ્બે હાઉસ (તાતા જૂથના વડામથકે) પાછા જવામાં કોઇ રસ નથી. જોકે તેઓ કંપનીના બોર્ડમાં લઘુમતિ શેરહોલ્ડર તરીકે શાપૂરજી પલોનજી (એસપી) જૂથના અધિકારોનું રક્ષણ કરવા માટે તમામ વિકલ્પો ચકાસી રહ્યા છે. જેમાં કંપનીના બોર્ડમાં એક સીટ મેળવવાનો પણ અધિકારનો સમાવેશ થાય છે. એસપી જૂથ તાતા સન્સમાં ૧૮.૫ ટકા હિસ્સો ધરાવે છે અને તેઓ તાતા જૂથની હોલ્ડિંગ કંપની તાતા સન્સમાં અધિકાર માટેની લડાઇ લડી રહ્યું છે. સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર ૨૦૧૬માં કંપનીના બોર્ડમાંથી દૂર કરાયા હતા.

એનસીએલએટીના ચૂકાદા વિશે સાઇરસ મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે કે હું એલસીએલટીના ચુકાદાનું સન્માન કરું છું. જોકે નિવેદન આપ્યા પછી તેમણે સ્પષ્ટતા કરી છે કે એનસીએલઈટીના આદેશ છતાં હું તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન કે ટીસીએસ, તાતા ટેલિસર્વિસીઝ કે તાતા ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર પદ પર ફરી નહીં બેસું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.