સાયરાબાનૂની તબિયત લથડી, હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઇ, બોલીવુડના અદાકારા અને દિલીપ કુમારના પત્ની સાયરા બાનુ છેલ્લા કેટલાય સમયથી બીમાર છે. તેમને બ્લડ પ્રેશર અને સુગર લેવલના વધવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તબિયત ઘણી બગડવાના કારણે તેમને ત્રણ દિવસ પહેલા મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સાયરા બાનુ હાલમાં આઇસીયુમાં છે. તેમની તમામ તપાસ ચાલી રહી છે. હોસ્પિટલના સૂત્ર અનુસાર “સાયરા જીની સ્થિતિ સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.” સાયરા બાનુની ઉંમર ૭૭ વર્ષ છે. આ વર્ષે જુલાઈમાં તેમના પતિ અને અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું.
દિલીપકુમાર અને સાયરા બાનુની ઉંમરમાં લગભગ ૨૨ વર્ષનો તફાવત હતો. બંનેએ વર્ષ ૧૯૬૬ માં લગ્ન કર્યા હતા અને બંને છેલ્લા ૫૫ વર્ષથી સાથે હતા, પરંતુ દિલીપ કુમારના મૃત્યુથી બંને અલગ થઈ ગયા. દિલીપ કુમારના મૃત્યુ પછી, સાયરા બાનુ એકલા પડી ગયા છે અને તેઓ બીમાર રહે છે.
દિલીપ કુમારના મૃત્યુ પછી, સાયરા બાનુએ કહ્યું હતું કે, ‘ભગવાને મારું જીવવાનું કારણ છીનવી લીધું, મારું અસ્તિત્વ મારી પાસેથી છીનવી લીધું, સાહેબ વગર હું કશું જ વિચારી પણ શકતી નથી, કૃપા કરીને બધા પ્રાર્થના કરો. ‘હવે ચાહકો અને શુભેચ્છકો સાયરા બાનુના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. સોશિયલ મીડિયાની મદદથી લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.HS