સાયરા ગામ યુવતીની લાશ મળીઃ ૪ શખ્શો સામે ૬૦ કલાક પછી “રેપ વિથ મર્ડર” નો ગુન્હો નોંધાયો
મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી “નિર્ભયા” ૫ દિવસ અગાઉ ગુમ થઈ હતી રવિવારે સવારે સાયરા ગામની સીમમાં વડના ઝાડ પરથી લટકતી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની સાથે ૪ શખ્શોએ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી યુવતીની લાશ વડના ઝાડ પરથી ઉતારવાની ના પાડતા પહેલા ફરિયાદ નોંધવાની માંગ કરતા એસપી મયુર પાટીલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનો અને આગેવાનો સાથે સમજાવટ કરતા મૃતક યુવતીની લાશ ઉતારી મોડાસા પીએચસી સેન્ટરમાં પી.એમ.માટે મોકલી દેવામાં આવી હતી.
સોમવારે સવારે અનુ.જાતિ સમાજની યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા સામાજિક અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ૪ શખ્શો સામે અપહરણ,સામુહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેની માંગ કરી ગુન્હો નોંધાય પછી પીએમ કરવાની માંગ પર અડગ રહી પોલીસતંત્રની નિષ્ક્રિય કામગીરીના છાજીયા લીધા હતા અને ચારરસ્તા ચકકજામ કર્યો હતો પરિવારજનોની માંગ નહિ સ્વીકારતા મૃતક યુવતીની લાશ સોમવારે પણ અંતિમક્રિયા થી વંચિત રહી હતી
સોમવારે રાત્રે હાઈકોર્ટના વકીલ કેવલસિંહ રાઠોડ અને તેમની ટીમે પીડિત પરિવારની મુલાકાત લઈ મોડાસા રૂરલ પોલીસસ્ટેશન આગળ ધરણા પર ઉતારતા આખરે પોલીસતંત્ર ઝૂક્યું હતું અને ભારે તંગદિલી ભર્યા વાતાવરણમાં ૪ શખ્શો સામે મોડાસા રૂરલ પોલીસે અપહરણ,સામુહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા પરિવારજનોએ અને સામાજિક અગ્રણીઓએ પેનલ પીએમ અને વીડિયોગ્રાફી સાથે માંગ સ્વીકારતા આખરે ૬૦ કલાક સુધી ન્યાય માટે રઝળતા યુવતીના મૃતદેહને અંતિમક્રિયા પ્રાપ્ત થઈ હતી
મોડાસા રૂરલ પોલીસે સાયરા(અમરાપુર) ની ૧૯ વર્ષીય “નિર્ભયા” નું કારમાં અપહરણ કરનાર ૧)બિમલ ભરતભાઈ ભરવાડ( રહે,બાજકોટ) ,૨) દર્શન ભરવાડ (રહે,પીપરાણા) ,૩) સતીશ ભરવાડ (રહે,રમણા) અને ૪)જીગર (રહે,ગાજણ) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૩૬૬,૩૭૬(ઘ), ૫૦૬(૨) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
મૃતક “નિર્ભયા” ના પરિવારજનોએ યુવતીનું અપહરણ મોડાસાથી થતા તે અંગે મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારી ને ૩.૦૧.૨૦૨૦ ના રોજ લેખિત ફરિયાદ આપતા પીઆઈ રબારીએ તમારી દીકરીએ સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા હોવાનું અને તમારી દીકરી સલામત હોવાનું જણાવી આજ રટણ બીજા દિવસે યથાવત રાખતા અને બે દિવસપછી તમારી દીકરીને પરત લઈ જજો જણાવતા પીઆઈ રબારી પર વિશ્વાસ રાખતા દીકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાનું અને પીઆઈ રબારી સામે પણ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ પરિવારજનો અને સામાજિક અગ્રણીઓને તટસ્થ તપાસ કરવાની બાહેંધરી આપતા પરિવારજનોએ પીઆઈ એનકે રબારી સામે ફરિયાદ નોંધવાની માંગ પડતી મૂકી હતી