સાયરા બાનોએ ચાર દિવસ પહેલાં ધર્મેન્દ્રને ફોન કર્યો
મુંબઈ, દિવંગત અભિનેતા દિલીપ કુમારના પત્ની સાયરા બાનોની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમારના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાયરા બાનોના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે. ધર્મેન્દ્રએ સાયરા બાનોના સ્વાસ્થ્ય વિષે જાણકારી આપી હતી. ધર્મેન્દ્રએ કહ્યું કે, સાયરા બાનો અને તેમની ચાર દિવસ પહેલા ફોન પર વાત થઈ હતી. ધર્મેન્દ્રનો ફોન સાયરા બાનોએ નહોતો ઉપાડ્યો. પછી તેમણે સામેથી ફોન કરીને ધર્મેન્દ્રને જણાવ્યુ હતું કે તેમની તબિયત સારી નથી. ધર્મેન્દ્રએ જણાવ્યું કે, તેઓ સાયરા બાનો સાથે વધારે વાત નહોતા કરી શક્યા.
દિલીપ કુમારના નિધન પછી સાયરા બાનો માટે આ ઘણો કપરો સમય છે. ધર્મેન્દ્રએ જણાવ્યું કે, તમે સમજી શકો છો કે દિલીપ કુમારના નિધન પછી તે કેવો અનુભવ કરતા હશે. તેમને બધું ખાલી ખાલી લાગી રહ્યું હશે. હું તેમના સ્વાસ્થ્ય વિષે વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે થોડા સમયમાં ફોન કરીશ. હું તે જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરુ છું. ઉલ્લેખનીય છે કે ૭૭ વર્ષીય સાયરા બાનોને બ્લડ પ્રેશરમાં તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો જાેવા ન મળતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના ઓક્સિજન લેવલમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. નોંધનીય છે કે ૭મી જુલાઈના રોજ દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા દિવસોમાં દિલીપ કુમારની તબિયત સારી નહોતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાયરા બાનો અંતિમ શ્વાસ સુધી દિલીપ કુમારની સાથે રહ્યા હતા.
દિલીપ કુમારની માંદગી લાંબા સમયથી ચાલતી આવી હતી, પરંતુ પત્ની સાયરા બાનોએ પડછાયાની જેમ તેમનો સાથ આપ્યો. તેઓ ફેન્સને પણ દિલીપ કુમારના અપડેટ આપતા રહેતા હતા.SSS