સારંગપુરમાં ડમ્પરની હડફેટે પાંચ યુવકોને ઈજા
ખાણીપીણીની બજારમાં ડમ્પર ઘુસી જતાં લારીઓ તથા સંખ્યાબંધ વાહનોનો કચ્ચરઘાણ: અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનના મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ખાસ કરીને ડમ્પરો દ્વારા સર્જાતા અકસ્માતના મુદ્દે ભારે ઉહાપોહ મચેલો છે. યમદુત બનીને ફરતા આવા ડમ્પરોના ચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહયા છે.
થોડા દિવસ પહેલા જ ખોખરામાં ડમ્પર ચાલકે ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધો હતો હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈકાલે મોડી રાત્રે રાત્રે ૧ર.૩૦ વાગ્યાની આસપાસ શહેરના કાલુપુર વિસ્તારમાં સારંગપુર પાસે ખાણીપીણીની બજારમાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પરે કેટલીક લારીઓ તથા વાહનોને અડફેટમાં લેતા ૭ જેટલી વ્યક્તિઓનો ઈજાઓ પહોચી હતી અને તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં આ ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. બીજીબાજુ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. આ ડમ્પર અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ ડમ્પરે બાઈક પર જતા બે યુવકો તથા ફુટપાથની બાજુમાં સુતેલી એક વૃધ્ધાને ટક્કર મારતાં ત્રણેયના મોત નીપજયા હતાં આ ઘટનાના પગલે શહેરભરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો અને ડમ્પર ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે આ ઘટનામાં હજુ તપાસ ચાલી રહી છે ત્યાં જ ગઈકાલે મોડી રાત્રે શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સારંગપુર વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત સજર્યો હતો
આ વિસ્તારમાં મોડીરાત સુધી ખાણીપીણીની બજાર ધમધમતું હોય છે જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો અહી આવતા હોય છે અને મોડી રાત સુધી સતત અવરજવર ચાલુ રહેતી હોય છે. સારંગપુર દરવાજા પાસે ગઈકાલે રાત્રે ખાણીપીણીની લારીઓ ઉપર કેટલાક યુવકો નાસ્તો કરી રહયા હતા આ દરમિયાનમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પો. લખેલું એક ડમ્પર પસાર થઈ રહયુ હતું અચાનક જ ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ખાણીપીણીની લારીઓમાં ઘુસી ગયું હતું.
ખાણીપીણીની બજારમાં આમલેટ સહિતની અનેક લારીઓ છે ડમ્પર ચાલકે ટકકર મારતા ખાણીપીણીની લારીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તથા કેટલાક વાહનોનો પણ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત સમયે આમલેટની લારી પર સારંગપુર વિસ્તારમાં રહેતો ધર્મેશ પ્રજાપતિ નામના યુવકને ડમ્પરની ટકકર વાગતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઉપરાંત પ્રિયંકા નામના યુવકને વધુ ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધર્મેશ, પ્રિયાંક ઉપરાંત ઉમંગ તથા કૃણાલ નામના યુવકોને પણ ઈજાઓ પહોંચી છે આ ઉપરાંત ખાણીપીણીની લારીના માલિક અશ્વિનભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ડમ્પરના ચાલકે પાંચ વાહનો, ત્રણ એક્ટિવા, ત્રણ ઓટો રીક્ષા તથા કેટલીક લારીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે.
અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં ડમ્પર ચાલક સામે લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક નાસી છુટયો છે બીજીબાજુ ઈજાગ્રસ્ત પાંચેય યુવકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પ્રિયંકાની હાલત વધુ ગંભીર જાવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી નાંખી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.