સારવારમાં વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈને ફરી વેચવાનું કૌભાંડ
નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો એવા છે માનવતાની સુવાસ ફેલાવી રહયા છે અને કેટલાક એવા પણ છે જેમણે પૈસા કમાવવા દરેક હદ વટાવી દીધી છે.
આવા જ એક કિસ્સામાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈને ફરી વેચવાનુ કૌભાંડ પકડાયુ છે. દ્વારકા વિસ્તારમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસનો આરોપ છે કે,તેઓ વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈને ફરી વેચતા હતા.તેમની પાસેથી ૮૪૮ કિલો ગ્લોવ્ઝ પણ પકડાયા છે.
આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ ત્રણે વ્યક્તિઓએ ભંગાર માર્કેટ અને હોસ્પિટલમાંથી ગ્લોવ્ઝ ખરીદયા હતા અને આ કામમાં એક બિઝનેસમેને તેમની મદદ કરી હતી. પોલીસે બાતમીના આધારે બે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ૮૪૮ કિલો વપરાયેલા ગ્લોવ્ઝ કબ્જે કર્યા હતા.
પોલીસનુ કહેવુ છે કે, આરોપીઓ આ ગ્લોવ્ઝને ફરી પેકેટમાં પેક કરીને સસ્તા ભાવે ફેક્ટરીઓ, હોટલો અને સલૂનોમાં વેચતા હતા.પેકિંગ પણ એ રીતે કરાતુ હતુ કે, કોઈને ખબર ના પડે કે આ વપરાયેલા ગ્લોવ્ઝ છે. આ ત્રણએ આરોપીઓ મનીષ, અરુણ અને શ્રીનિવાસનની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસેના કહેવા પ્રમાણે આરોપીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર જામીન અપાયા છે.આ પહેલા ગાઝિયાબાદમાં પણ વપરાયેલા ગ્લોવ્ઝ પોલીસે કબ્જે કર્યા હતા અને તે વખતે પણ ગ્લોવ્ઝને ધોઈને ફરી બજારમાં વેચવાનો ગોરખધંધો સામે આવ્યો હતો. આ મામલામાં પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.