સારા વક્તા બનવા માટે ભાષા પર કાબુ અને શબ્દ ભંડોળનું જ્ઞાન હોવું જરૂરી: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ‘બી એન ઈફેક્ટીવ ઓરેટર’ પુસ્તકનું વિમોચન
સુરત: શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શહેરના જાણીતા સી.એ. અને અને દ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શ્રી રૂપિન પચ્ચીગર લિખિત પુસ્તક ‘બી એન ઈફેક્ટીવ ઓરેટર’ નું વિમોચન કરાયું હતું. આ પુસ્તક તેમણે અગાઉ લખેલા પુસ્તક ‘અસરકારક વક્તા બનો’ નું અંગ્રેજી સંસ્કરણ છે. આ વેળાએ રૂપિન પચ્ચીગરના કાર્યને પ્રસ્તુત કરતી વેબસાઈટ પણ લોન્ચ કરાઈ હતી.
અડાજણ પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટરમાં યોજાયેલા વિમોચન સમારોહમાં મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘સારા વક્તા બનવા માટે ભાષા પર કાબુ અને બહોળા પ્રમાણમાં શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. દરેક મહાનુભાવોના પુસ્તકમાં સામાન્યપણે ‘માણસની કથની અને કરણી સમાન હોવી જોઈએ.’ એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે રૂપિન પચ્ચીગરને સારા પુસ્તકો લખીને સમાજસેવા કરતા રહે એવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક સમરસરતામાં માનનારા મંત્રીશ્રીએ ‘સમરસતા મારો પ્રયાસ’ નામનું પુસ્તક પણ લખ્યું હોવાનું ઉમેર્યું હતું.
લેખક રૂપિન પચ્ચીગરે કહ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે એક સારા વક્તા બનવું પડે. સારૂ વક્તવ્ય અને સારા વિચારો સમાજને દિશા આપવાનું કાર્ય કરે છે. નિવૃત્ત આઈ.એ.એસ. શ્રી ભાગ્યેશ જહાંએ જણાવ્યું હતું કે, વ્યક્તવ્ય આપવું એ મેડિટેશન છે. જે વ્યક્તિ પાસે કન્ટેન્ટ નથી, તેમણે વક્તા બનવાની જરૂર નથી. સારા વક્તા માટે સારૂ કન્ટેન્ટ, કોન્શીયશનેસ અને ક્લેરિટી કેળવવાની જરૂર છે.
સમારોહમાં ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશ મોદી, અરવિંદભાઈ રાણા, શ્રીમતી ઝંખના પટેલ, સંગીતા પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એચ.એચ.રાજ્યગુરૂ, સી.એ. મિહિર ઠક્કર સહિત ગણમાન્ય કવિઓ અને શહેરીજનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.