સારોદ, સામોજ અને નહાર ગામના દેવીપૂજકોના સ્મશાનનો પ્રશ્ન હલ નહિ થતા મામલતદાર કચેરી ખાતે ધરણા
ભરૂચ: જંબુસર તાલુકાના સામોજ,નહાર અને સારોદ ગામના દેવીપુજકોનો વર્ષો જૂનો સ્મશાન નો પ્રશ્ન હાલ નહિ થતા ત્રણ ગામના દેવીપૂજક આગેવાનો મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા.જેની જાણ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી ને થતા ધરણા પર બેઠેલા અગ્રણીઓ સાથે ચર્ચા કરી મધ્યસ્થી બની ધરણા પર બેઠેલા અગ્રણીઓને પારણા કરાવ્યા.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સામોજ નહાર સારોદ ગામના દેવીપૂજક સમાજના લોકોનું એક જ સ્મશાન સારોદ દરિયા કિનારે આવેલ છે.જ્યાં ચોમાસા દરમ્યાન દરિયાનું પાણી ભરાઈ રહેતું હોય સ્મશાનમાં જઈ શકાતું નથી.જેને માટે રસ્તો બનાવવા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય કોઈ નિવેડો નહીં આવતાં આજરોજ જંબુસર મામલતદાર કચેરી ખાતે ત્રણ ગામના દેવીપૂજક સમાજના અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ સ્મશાનના રોડની માંગ સાથે અચોક્કસ મુદત માટે ધરણા પર બેઠા હતા.
દેવીપૂજક સમાજના લોકો ધરણા પર ઉતર્યા ની જાણ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ને થતાં તેઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી દેવીપૂજક સમાજના સ્મશાનના પ્રશ્ન અંગે મધ્યસ્થી બની સમાધાનની ભૂમિકા ભજવી અગ્રણીઓ સાથે ચર્ચા કરી સ્મશાન રોડ ની વર્ષો જૂની માંગણી રસ્તો પાકો બનાવવા તથા વિસામા ની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી અને અગ્રણીઓને પારણા કરાવ્યા હતા.