સાળંગપુરમાં હનુમાન જયંતિ સાદાઇથી ઉજવાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Hanuman.jpg)
સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દર વર્ષે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ લાખો હરિભકતોની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે આજે તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૧ને મંગળવારના દિવસે આ મહોત્સવ સાદાઈથી ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવી છે. આજે ફક્ત સંતો પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજાેપચાર પૂજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આજે દાદાને ૬.૫ કરોડની કિંમતના ખર્ચે તૈયાર કરાવેલા સુવર્ણ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે.
મંદિરના પૂજય અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના જણાવ્યા મુજબ, હાલની કોરોના મહામારીને વિશેષ લક્ષમાં લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે શ્રી હનુમાન જયંતિના પાવન દિવસે મારૂતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો છે. દર વર્ષે યોજાતા શ્રી હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજન, લોકડાયરો વગેરે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખ્યા છે. તેમજ સરકાર તરફથી આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા તથા ભોજનાલય બંધ રાખવામાં આવ્યા છે.
દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ શ્રી હનુમાન જયંતિ ઉત્સવના પવિત્ર-પાવન તેમજ દિવ્ય દર્શનનો અને અભિષેકવિધી તથા અન્નકૂટ આરતીનો લાભ ઘરે બેઠા ઓનલાઈન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આજે હનુમાનજી દાદાને ૬.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા હીરા જડિત સુવર્ણ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે. અંદાજે ૮ કિલો સોનામાંથી આ વસ્ત્રો બનાવામાં આવ્યા છે.
સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી-તપાસી-સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. મહત્તવનું છે કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુરમાં આવેલા વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદાનું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખોની સંખ્યામાં અહીં દાદાના દર્શન કરવા ભક્તો આવતા હોય છે.