સાળી સાથે વાતની ના પાડતાં ભાઈએ ભાઈની હત્યા કરી
નવી દિલ્હી: વ્યક્તિના લગ્ન થયા પછી ફેમિલી મોટું થતું હોય છે, નવા લોકો સાથે ઓળખાણ થાય છે અને કુટુંબ વિકસિત થતું જાય છે. પરંતુ ઘણી વખત નવી ઓળખાણોના લીધે તકલીફો પણ ઉભી થતી હોય છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે જેમાં સાળી સાથે વાત કરવાની મનાઈ કરવા બાબતે સામાન્ય ઝઘડો થતા નાના ભાઈએ મોટા ભાઈને પતાવી દીધો. આ ઘટના કરાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે, જેમાં પોલીસે ભાઈની હત્યાના ગુનામાં નાના ભાઈની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૨ વર્ષના પ્રેમ શંકરના લગ્ન મે મહિનામાં થયા બાદ પ્રેમના નાના ભાઈ પ્રશાંત (૧૯)ને ભાભીની નાની બહેન સાથે દોસ્તી થઈ ગઈ હતી. તે ભાભીની બહેન સાથે વારંવાર ફોન અને મેસેજ કરીને વાત કરતો હતો. પ્રમ શંકરે નાના ભાઈને સમજાવ્યું હતું કે હજુ તેમના લગ્ન તાજા છે આવામાં ભાઈની સાળી સાથેની દોસ્તી વિશે કોઈને ખબર પડશે તો ખરાબ લાગશે. પરંતુ પ્રશાંતે પ્રેમની વાત માની નહીં અને પોતાનું ધાર્યું જ કરવાનું ચાલુ રાખ્યું.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૨૬મી જૂનની રાત્રે પ્રશાંત ફોન પર સાળી સાથે વાત કરી રહ્યો હતો. પ્રેમને ખબર પડતા તેણે પ્રશાંતને બે લાફા મારી દીધા હતા. ભાઈએ લાફા માર્યા બાદ પ્રશાંતને ગુસ્સો આવી ગયો હતો. તેણે મોટા ભાઈને ગુસ્સામાં ગરદનમાં ગોળી મારી દીધી હતી, જેમાં તેનું મોત થઈ ગયું હતું. પરિવારજનોએ પણ પ્રશાંતનો પક્ષ લઈને હત્યાકાંડને દબાવવા માટે આખા રૂમની સાફ સફાઈ કરી નાખી અને સવારે સગાને જાણ કરી કે પ્રેમનું મોત થઈ ગયું છે.
મૃતદેહ લઈને પરિવારજનો ૨૭ જૂને લાલબાગ શ્મશાન ઘાટ પહોંચ્યા. અહીં અંતિમ સંસ્કાર દરમિયાન શબની હાલત જાેઈને ક્રિયા કર્મ કરાવી રહેલા બ્રાહ્મણને આશ્ચર્ય થયું અને તેમણે પોલીસને જાણ કરી દીધી.મળતી વિગતો પ્રમાણે જ્યારે પ્રેમની પત્ની જ્યારે પિયર ગઈ હતી ત્યારે પ્રશાંત અને પ્રેમ એક જ રૂમમાં ઊંઘી ગયા હતા. અગાઉ ચેતવણી આપી હોવા છતાં બન્ને ભાઈઓ સાથે ઊંઘતા હતા ત્યારે નાનો ભાઈ મોટાભાઈની મનાઈ છતાં સાળી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. જેના કારણે મોટાભાઈ પ્રશાંતને લાફો મારી દીધો હતો અને તેણે ગુસ્સામાં રિવોલવર કાઢીને મોટાભાઈ પર ગોળી ચલાવી દીધી.
પરિવારજનોને એવું હતું કે પોતે જે પ્રકારનો પ્લાન બનાવ્યો છે તેનાથી કોઈને કશું જ ખબર નહીં પડે. પરંતુ પોલીસે આરોપી પ્રશાંતની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં વપરાયેલી રિવોલવર પણ કબજે લઈ લીધી છે. પોલીસે આ કેસમાં હત્યાની સાથે પૂરાવા દૂર કરવાની કલમ પણ જાેડી છે. તપાસ દરમિયાન જે લોકો ગુનેગાર સાબિત થશે તેમની ધરપકડ કરવામાં આવશે, એટલે કે પ્રેમની હત્યા બાદ પ્રશાંતને પરિવારના જે સભ્યોએ પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.