સાવકા પિતાના ત્રાસથી કંટાળી સગીરાને ઘર છોડવું પડ્યું

પ્રતિકાત્મક
‘મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે, મારે ઘરે નથી જવું’
પાલનપુર, “મારા દુઃખની તમને ખબર પડે નહીં, બાકી તમને ક્યારેય થયું છે કે ઘરે નથી જવું?” આવી જ કંઈક વેદનાએ ૧૩ વર્ષની કિશોરીની હતી તેના શબ્દો હતા કે, ‘મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે, મારે ઘરે નહીં જવું. સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારની ૧૩ વર્ષની કિશોરી તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગઈ અને શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા મજબુર બની ગઈ.
આ કિસ્સામાં ૧૩ વર્ષીય દીકરી પોતાના સાવકા પિતાની મારઝુડથી કંટાળી પહેરેલે કપડે ઘરેથી નીકળી ગઈ હતી. ૧૮૧ની ટીમે ઘણું સમજાવી, પણ કિશોરી પિતાના ત્રાસથી એટલી કટાળી ગઈ કે ઘરે જવા તૈયાર જ ન થઈ અને છેવટે અભયમની ટીમે તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.
સિદ્ધપુરના એક ગામમાં માતાએ બીજા લગ્ન કરતા કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી, પણ કિશોરીને કોઈ પણ પ્રકારની આઝાદી ન હતી તેને બસ ઘરમાં જ રહેવાનું હતું. ઘરકામ કીર ચાર દિવાલોમાં બંધ રહેવા છતાં તેના સાવકા પિતા તેના પર ત્રાસ ગુજારતા હતા.
આખરે આ ત્રાસથી કંટાળીને કિશોરી ઘરેથી નીકળી સિદ્ધપુર શહેરમાં આવી ગઈ, શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા માટે મજબુર થઈ ગઈ. કિશોરીને એકલા ઠોકરો ખાતા જાેઈ કોઈ જાગ્રતને શંકા ગઈ અને તેની જાેડે વાત કરી તો તેની વેદના સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારબાદ જાગ્રત નાગરિકે ૧૮૧ અભયને ફોન કરી જાણ કરી હતી.
કિશોરીની સુરક્ષા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને જાણ કરતા કાઉન્સેલર લક્ષ્મીબેન અને એએસઆઈ બબીબેન બન્ને મહિલાકર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઈ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી, પરંતુ તે પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોઈ, તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.