સાવધાન ! નહીંતર તબલીગી જમાત જેવા હાલ થશે, ખેડૂતોને સુપ્રીમ કોર્ટે કોરોના અગમચેતી યાદ રાખવાનું કહ્યું
નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોને કોવિડ 19 માટેની ગાઇડલાઇન્સનું પાલન કરવાની તાકીદ કરી હતી અને કહ્યું હતું કે તમે ગાઇડલાઇન્સ ચૂકી જશો તો તબલીગી જમાત જેવી સ્થિતિ થઇ શકે છે.
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતો કોવિડ 19ની ગાઇડ લાઇન્સનું પાલન કરે છે કે નહીં એની અમને જાણ નથી. આ પરિસ્થિતિ ચિંતાજનક ગણાય. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે તમે (અરજદાર) કોર્ટને કહો કે ખરેખ શું થઇ રહ્યું છે. મને જાણ નથી કે ખેડૂતો કોવિડ 19ની ગાઇડ લાઇન્સનું પાલન કરી રહ્યા છે કે નહીં.
ગયા વર્ષના આરંભે નિઝામુદ્દીનમાં બનેલા મરકજ કેસ અને લૉકડાઉન દરમિયાન પણ ભીડ ભેગી કરવા અપાયેલી પરવાનગી વિશેના કેસમાં અરજદારે કોર્ટને કહ્યું હતું કે નિઝામુદ્દીન મરકજમાં દેશી વિદેશી સેંકડો લોકોને એક સ્થળે એકઠા થવાની પરવાનગી આપીને સરકારે લાખો નાગરિકોના સ્વાસ્થ્યને જોખમમાં નાખ્યું હતું. અત્યારે ખેડૂત આંદોલનના નામે એજ પરિસ્થિતિનું પુનરાવર્તન થઇ રહ્યું હતું.
અરજદાર વકીલ પરિહારે કહ્યું હતું કે નિઝામુદ્દીન મરકજના સુકાની મૌલાના સાદ ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે એની હજુ કોઇ જાણકારી મળી નથી. એ જ્યાં હોય ત્યાંથી એમને પકડીને જાણવું જોઇએ કે કોરોના કાળમાં તેમને મેદની એકઠી કરવાની પરવાનગી કોણે આપી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરે છે કે કેમ એ કોર્ટ જાણતી નથી. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે લેટેસ્ટ પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાના પ્રયાસ અમે કરીશું. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે ખેડૂતોએ મરકજના બનાવ પરથી કોઇ બોધપાઠ લીધો છે કે. ખેડૂતો કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરે છે ખરા.પંદર દિવસમાં કોર્ટને નક્કર જવાબ આપો.