સાવરકુંડલાના ધાર ગામમાં એક જ પરિવારના બે વ્યક્તિએ આત્મહત્યા કરી
અમરેલી, અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ નજીક ધાર નામના ગામે એક જ પરિવારના બે વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. માતા અને પુત્રીએ એક સાથે ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સાવરકુંડલા નજીક ધાર ગામે રહેતા હંસાબેન ખીચડીયા અને ભૂમિબેન ખીચડીયાએ પોતાના ઘરે સાડીથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ વાતની જાણ ગામમાં થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. હંસાબેન અને દીકરી ભૂમિનો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. પણ વર્ષ નબળુ ગયું હોવાના કારણે તથા તાઉતેથી થયેલી તારાજીથી મોટું નુકસાન થયું હોવાથી આર્થિક કટોકટી ઊભી થઈ હતી.
જેના પગલે માતા અને દીકરીએ આત્મહત્યા કરી છે. જાેકે, પોલીસને મળેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, દીકરીનો લગ્ન પ્રસંગ નજીકમાં હતો. કુદરતી આફતને કારણે પરિવાર પર આર્થિક ભારણ વધી ગયું હતું. પ્રસંગમાં બદનામી થવાના ડરે માતા અને દીકરીએ આત્મહત્યાનું પગલું ભર્યું છે. પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રતાપ દુધાત ઘટના સ્થળે દોડી ગયા હતા.
દીકરી ભૂમિકાના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા. જે બીજા ગામના કોઈ યુવક સાથે નક્કી થયા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું. સમાજ તથા પ્રસંગમાં કોઈ મોટી બદનામી ન થાય એ બીકથી બંને વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.HS