સાવલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યા
અમદાવાદ: વડોદરાના સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મીકેનીકલ એન્જિનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે બપોરે આ વિદ્યાર્થીએ તેના રૂમની બાજુના ખાલી રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. બીજીબાજુ, પરિવારજનોએ યુવાનની હત્યાની આશંકા વ્યકત કરી તપાસની ઉગ્ર માંગ કરી છે. બનાવને લઇ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ભંભોડી ગામમાં રહેતો રોનક રણજીતસિંહ વશી (ઉં.વ.૧૭) ધોરણ-૧૦ પાસ કર્યા બાદ સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં ડિપ્લોમાં મીકેનીકલ એન્જિનીયરીંગમાં એડમિશન લીધું હતું અને કોલેજના કેમ્પસ સ્થિત હોસ્ટેલના ૪૦૨ રૂમમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રથમ વર્ષ પૂરું કર્યા બાદ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલ રોનક વશીએ ગઇકાલે બપોરે ૨-૦૦ થી ૫-૦૦ના સમયગાળામાં પોતાના રૂમની બાજુમાં આવેલા ૪૦૧ નંબરના ખાલી રૂમમાં પ્લાસ્ટીકની દોરીથી પંખા ઉપર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રોનકના રૂમ પાર્ટનરોને બનાવની જાણ થતાં કોલેજ સત્તાવાળાઓને જાણ કરી હતી.