સાસરામાં પત્ની પર હિંસા માટે પતિ જવાબદાર: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, પોતાની પત્નીને માર મારવાના કિસ્સામાં આરોપી વ્યક્તિને સુપ્રીમ કોર્ટે ધરપકડ પહેલા જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે સોમવારે કહ્યું કે જાે સાસરામાં મહિલાની પીટાઈ થાય છે તો તેની પીડા માટે મુખ્ય રુપે પતિ જવાબદાર છે, ભલે પીટાઈ તેના સગાએ કરી હોય.
કોર્ટે જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી, તે વ્યક્તિના ત્રીજા લગ્ન હતા અને મહિલાના ત્રીજા લગ્ન હતા. લગ્નના વર્ષ પછી ૨૦૧૮માં તેમને એક બાળક થયું. પાછલા વર્ષે જૂનમાં મહિલાએ લુધિયાણા પોલીસને પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.
મહિલાનો આરોપ હતો કે દહેજની માગણીઓ પૂરી ના કરી શકવાના કારણે પતિ, સાસરિયા અને સાસુ માર મારતા હતા. જ્યારે પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન માટે વારંવાર દબાણ કર્યું તો મુખ્ય જજ એસએ બોબડેની આગેવાનીવાળી બેંચે કહ્યું, તમે કેવા પ્રકારના પુરુષ છો? તેમનો (પત્ની) આરોપ છે કે તમે ગળું દબાવીને તેમનો જીવ લેવાના હતા. તેમનું કહેવું છે કે જબરજસ્તી ગર્ભપાત કરાવાયો.
તમે કેવા પ્રકારના પુરુષ છો જે પોતાની પત્નીને ક્રિકેટ બેટથી માર મારે છે? જ્યારે કુશાગ્ર મહાજને કહ્યું કે તેમના ક્લાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઈ કરી હતી તો મુખ્ય જજના નેતૃત્વવાળી બેંચે કહ્યું, તેનાથી ફરક નથી પડતો કે તે તમે (પતિ) હતા કે પિતા જેમણે કથિત રીતે બેટથી માર માર્યો હતો. જ્યારે સાસરિયામાં મહિલાને યાતનાઓ આપવામાં આવે છે તો મુખ્ય રીતે જવાબદારી પતિની જ બને છે. કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી.