ઘાટલોડીયામાં સાસરિયાઓએ જમાઈને જીવતો સળગાવ્યો હતો
ઘાટલોડિયામાં બનેલો ચોંકાવનારો બનાવઃ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયેલો યુવક ભાનમાં આવતા જ પોલીસ અધિકારીઓને આપેલી વિગતો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરેલું હિંસાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારવા ઉપરાંત યુવતિઓની છેડતીની ઘટનામાં પોલીસતંત્ર તાત્કાલિક કાર્યવાહી કરતું હોય છે કેન્દ્ર સરકારે પણ મહિલાઓના રક્ષણ માટે કડક કાયદાઓ બનાવેલા છે પરંતુ આ પરિસ્થિતિમાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં પતિ પર શંકા રાખી પત્નિ પોતાના પુત્રને લઈ ઘાટલોડિયા ખાતે આવેલા પોતાના પિયરમાં રહેવા આવી ગયા બાદ પતિ તેને સમજાવી પરત ઘરે લઈ જવા માટે લેવા માટે આવ્યો હતો.
ત્યારે તેને બાથરૂમમાં પુરી કેરોસીન છાંટી જીવતો સળગાવતા સનસનાટી મચી ગઈ છે. સળગતી હાલતમાં યુવક ઘરની બહાર દોડી આવતા જ લોકો એકત્ર થઈ ગયા હતા અને તેને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તબીબોની સારવાર માટે તે સ્વસ્થ બનતા તેણે પોતાની પત્નિ તથા સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં આવેલા દાડમીલ રોડ પર હરીપ્રકાશ નગરની બાજુમાં આવેલા રાઠોડ નિવાસમાં રહેતો મેહુલ રાઠોડ (Mehul Rathod, Res. Rathod nivas, Hariprakash nagar, Surendranagar) નામના યુવકના લગ્ન થોડા વર્ષો પહેલા અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી કિંજલ (Kinjal, Ghatlodia, Ahmedabad) નામની યુવતિ સાથે થયા હતા પ્રારંભમાં ગૃહસંસાર સુખમય રીતે પસાર થયો હતો અને લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રનો પણ જન્મ થયો હતો
લગ્ન કર્યાં બાદ કિંજલ સુરેન્દ્રનગર પોતાના સાસરે રહેવા ગઈ હતી પ્રારંભના વર્ષોમાં પુત્રના જન્મ બાદ પરિવારમાં ખુશાલી વ્યાપી ગઈ હતી પરંતુ અચાનક જ સુખી સંસારમાં શંકારૂપી દાનવે જન્મ લીધો હતો. પતિ મેહુલને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાની શંકા કિંજલને ગઈ હતી. (Doubt of extra marital affair of husband Mehul)
આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી પતિ- પત્નિ વચ્ચે જુદા રહેવા ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉપર પણ બોલાચાલી થવા લાગી હતી અને કયારેક મામલો ઉગ્ર પણ બનતો હતો જેના પરિણામે બંને પતિ પત્નિના પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી પ્રારંભમાં વડીલોએ વચ્ચે પડી બંને વચ્ચે સમાધાન કરાવ્યુ હતું સમાધાનના થોડા દિવસો બાદ ફરી વખત પતિ- પત્નિ વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતાં જેના પરિણામે કિંજલ તેના પાંચ વર્ષના પુત્ર ધૈયને લઈ પરત અમદાવાદ રિસાઈને આવી ગઈ હતી.
રિસાઈને પિયર જતી રહેલી પત્નિ કિંજલને મનાવવા માટે મેહુલ રાઠોડે પ્રયાસો શરૂ કર્યાં હતા આ સમયે કિંજલે કેટલીક શરતો મુકી હતી જાકે તે શરતોમાંથી કેટલીક શરતો મેહુલે સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી હતી જેના પરિણામે પતિ- પત્નિ વચ્ચેની તકરાર વધુ ઉગ્ર બની હતી બીજીબાજુ પતિ- પત્નિના ઝઘડામાં માસુમ પુત્રની માનસિકતા પર અસર ન પડે અને તેનું ભણવાનું શરૂ થાય તે માટે સ્કુલો શરૂ થવાની તૈયારી હતી.
ત્યારે મેહુલે કિંજલને પરત લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યાં હતા આ માટે તા.ર૧/૭/ર૦૧૯ના રોજ મેહુલ સુરેન્દ્રનગરથી તેના સાસરે ઘાટલોડિયા ગામમાં અમૃતા વિદ્યાલયની બાજુમાં આવેલા નારેશ્વર એપાર્ટમેન્ટમાં (Nareshwar apartment, Nr. Amruta Vidyalaya, Ghatlodia, Ahmedabad) આવ્યો હતો સાસરે આવ્યા બાદ મેહુલે તેની પત્નિ કિંજલને ઘરે પરત ફરવા સમજાવી હતી અને પુત્રનું ભણતર પણ વ્યવસ્થીત રીતે ચાલુ થઈ જાય તે માટે વિનંતી કરી હતી.
મેહુલની વિનંતી છતાં કિંજલ તથા તેના પરિવારજનો માન્યા ન હતા અને સાસુ તથા અન્ય વ્યક્તિઓએ મેહુલને ઘરે પરત ચાલ્યો જા નહી તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી જેના પરિણામે તે ગભરાઈ ગયો હતો આ દરમિયાનમાં મેહુલ ઘરે પરત ફરવા માટે નીકળ્યો હતો તે પહેલા તે બાથરૂમમાં ફ્રેશ થવા માટે ગયો હતો આ તકનો લાભ ઉઠાવી પત્નિ કિંજલ સાળો ગ્રીનીઝ તથા ગ્રીનીઝની પત્નિ કોમલ તથા સાસુ નીતાબેન બાથરૂમ પાસે પહોંચ્યા હતા.
મેહુલ કશું સમજે તે પહેલાં જ સાળા ગ્રીનીજે પોતાની પાસેના કેરબામાંથી મેહુલ પર કેરોસીન છાંટી દીધુ હતું કેરોસીનની વાસ આવતા જ મેહુલ આ ચારેય વ્યક્તિઓથી બચવા માટે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દરમિયાનમાં જ પત્નિ કિંજલે દિવાસળી સળગાવી તેના પર ફેંકતા જ મેહુલ સળગવા લાગ્યો હતો અસહ્ય બળતરા થવા લાગતા મેહુલ બુમાબુમ કરી દોડતો ફલેટની બહાર નીકળ્યો હતો અને આખા શરીરે દાઝી જતા તે ગંભીર હાલતમાં ફલેટની બહાર જ બેભાન થઈને ઢળી પડયો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા મેહુલને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેની આંખ ખુલી ત્યારે તે હોસ્પિટલમાં પડેલો જાવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં મેજીસ્ટ્રેટ દ્વારા તેનું ડાઈગ ડીકલેરેશન લેવામાં આવ્યું હતું પરંતુ તે સમયે તે ખૂબ જ ગભરાયેલો હતો
તેના પરિણામે તેણે કોઈના નામ આપ્યા ન હતા. બીજીબાજુ હોસ્પિટલમાં તેની સઘન સારવાર શરૂ કરાતા તેની સ્થિતિમાં સુધારો થયો હતો અને આખરે તે સ્વસ્થ બનતા ગઈકાલે તેણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી જઈ આરોપીઓ પત્નિ કિંજલ વાઘેલા, સાળો ગ્રીનીઝ વાઘેલા સાળાની પત્નિ કોમલ વાઘેલા અને સાસુ નીતાબેન વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. ઘાટલોડિયા પોલીસે આ અંગે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.