સાસરિયાના ત્રાસથી કંટાળી પરીણિતાએ આત્મહત્યા કરી
અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના સાસરિયાઓ સામે આક્ષેપ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ સહિતના લોકો અવારનવાર ત્રાસ આપતા કંટાળીને પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. વટવામાં રહેતા ઝબીઉલ્લાહ અન્સારી તેમના બે પુત્ર અને પત્ની સાથે રહી ઘરેથી વેપાર કરે છે. તેમની ફિરદોશા બાનુના વર્ષ ૨૦૧૭માં લગ્ન થયા હતા.
ફિરદોશા બાનુના લગ્ન જુહાપુરા ખાતે રહેતા સમીર સાથે થયા હતા. લગ્ન બાદ આ ફિરદોશા બાનુને ગર્ભ રહેતા સાત માસ થયા હોવાથી સાસરું ચોથા માળે હોવાથી તેને મા-બાપના ઘરે સાસરિયાઓ મૂકી ગયા હતા. બે દિવસ પહેલા ઝબીઉલ્લાહ રમજાન માસ ચાલતો હોવાથી શહેરી કરતા હતા. ત્યારે સવારે ચારેક વાગ્યે જમાઈ સમીરના કોઈ મિત્રનો તેમના પર ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ કે, તેમની પુત્રી ફિરદોશા બાનુએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઝબીઉલ્લાહ તાત્કાલિક જુહાપુરા ખાતે તેમની દીકરીના ઘરે પહોંચ્યા ત્યારે દીકરીની લાશને નીચે જાેઈ હતી.
જમાઈને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે તેઓ જમી પરવારીને રૂમમાં સૂવા આવ્યા હતા. સમીરના મિત્રની માતાનું અવસાન થતાં તે ત્યાં ગયો હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યે ઘરે આવ્યો અને રૂમનો દરવાજાે ખખડાવતા ફિરદોશા બાનુએ દરવાજાે ખોલ્યો ન હતો. જેથી સમીર ગેલેરીમાં ગયો અને જઈને જાેયું તો પત્ની ફિરદોશા બાનુ લટકતી હાલતમાં મળી આવી હતી. પુત્રીની અંતિમવિધિ બાદ ઝબીઉલ્લાહે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા કે, તેમની પુત્રીને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાથી તેણે આપઘાત કર્યો છે. જેથી વેજલપુર પોલીસે મૃતકના સાસુ, સસરા અને પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.