સાસરીમાં જઈને જમાઈએ સાળી-સસરાની હત્યા કરી
સુરેન્દ્રનગર: થાનગઢ તાલુકાના સરોડી ગામે જમાઈના હાથે સસરા અને સાળીની હત્યા થતા ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે આરોપીની પત્ની મીનાબેન અને સાળાને પણ ગંભીર ઈજા થતા તેમને ચોટીલા બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળી રહેલી માહિતી મુજબ મૂળી ગામના હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેન રીસામણે એના પિયર સરોડી ગામે હતી. આથી આજે બપોરે બાર વાગ્યાના સુમારે હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાએ પોતાના સાસરે થાન તાલુકાના સરોડી ગામે પહોંચ્યો હતો અને છરી વડે સાસરીયા પક્ષના સભ્યો ઉપર ઘાતક હુમલો કર્યો હતો.
આ હુમલામાં જમાઈ હિતેશભાઈએ સાળી સોનલબેન દામજીભાઈ ચાવડા(૨૨) અને દામજીભાઈ હરીભાઈ ચાવડા(૫૦)ને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ચોટીલા બાદ રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બંનેના મોત નિપજ્યા હતા.
આ માથાકૂટમાં આરોપીના સાળા લલિતભાઈ(૨૧) અને પત્ની મીનાબહેનને પણ ઈજા પહોંચતા તેમને હાલ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં પોલીસે આરોપી જમાઈ સામે ડબલમર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી જમાઈ હિતેશ કોરડિયાની ધરપકડ કરી લીધી છે. આ બનાવથી થાનગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.