સાહિત્ય સમાજનું એક દર્પણ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સાહિત્ય સમાજનું એક દર્પણ છે. સાહિત્યકારો પોતાની વિવેક બુદ્ધિ, વ્યક્તિત્વ અને સર્જનાત્મક વિચાર દ્વારા સાહિત્યના માધ્યમથી જન-માનસ સુધી શ્રેષ્ઠ જીવન મુલ્યો પહોંચાડવાનું કામ કરે છે, જે સાહિત્ય ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે.
અમદાવાદ ખાતે ઇન્ટરેશનલ લિટરેચર ફેસ્ટિલના પ્રારંભ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરના લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે એ એક પ્રશંસાને પાત્ર છે. ચાર વર્ષથી સતત ચાલ્યા આવતા આ ફેસ્ટિવલને લઇને આયોજકોને અભિનંદન પણ રાજ્યપાલશ્રીએ પાઠવ્યાં હતા.
અમદાવાદ ખાતે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત(KCG)માં યોજાયેલા આ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રીએ મુન્શી પ્રેમચંદને યાદ કરતા જણાવ્યું હતું કે, મુન્શી પ્રેમચંદે પોતાની સાહિત્યિક કૃતિઓ દ્વારા તત્કાલિન સમાજની વ્યવસ્થા અને સામાજિક ગતિવિધીઓને સાહિત્યના માધ્યમથી જન-માનસ સુધી પહોંચાડવાનું એક પ્રેરક કાર્ય કર્યું છે.
સાહિત્યનો શાબ્દિક અર્થ સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જે તમામ લોકોનું હિત કરે એ સાહિત્ય છે. માનવનું હિત, કલ્યાણ, ઉપકાર, ભલાઇ, પ્રેરણા, કરૂણા, ભાઇચારો, એકતા અને પ્રેરણાનો ભાવને સાહિત્ય દ્વારા જન-માનસ સુધી પહોંચાડવામાં આવે તો એક સારા સમાજનું નિર્માણ થઇ શકે છે. જે સાહિત્યમાં આ ઉદ્દેશોનું વર્ણન ન હોય એ સાહિત્ય નહીં પણ માત્ર કલ્પના હોઇ શકે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ ધરતી પર સાહિત્યના રૂપમાં જો કોઇ પ્રથમ પુસ્તક હોય તો એ વેદ છે. વેદોમાં સમાજના હિતનું અને કલ્યાણનું જ વર્ણન છે અને પ્રકૃતિનું ખુબ ચિંતન વેદમાં કરવામાં આવ્યું છે. ભારતીય વેદરૂપી સાહિત્યએ સમાજ હિતની વાતો લાખો વર્ષ પહેલા કરી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ વખતના સાહિત્ય ફેસ્ટિવલમાં પર્યાવરણ વિષયને જોડવામાં આવ્યો છે, તેને લઇને હું ખુબ પ્રસન્ન છું. પણ પર્યાવરણને સૌથી વધુ પ્રદુષણ કરવાનું કામ આજે સમજદાર માનવી દ્વારા જ કરાઇ રહ્યું છે. જે જીવન આપનારી વસ્તુ એટલે કે પ્રકૃતિ છે તેને જ પ્રદુષિત કરવાનું કામ માનવીઓ દ્વારા થઇ રહ્યું છે.
વિજ્ઞાન અને મોડર્ન ટેક્નોલોજીના યુગમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ, ત્યારે આધુનિક્તાના નામે રાસાયણિક ખેતી દ્વારા જમીન અને પાણી બંનેને પ્રદુષિત કરવાનું કામ પણ માનવી દ્વારા કરાઇ રહ્યું છે. જો આજનો માનવી પર્યાવરણનું જતન અને રક્ષણ કરવાનું નહીં સમજે તો આવનારા સમયમાં ઘણી સમસ્યાનું નિર્માણ થશે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હું આશા રાખુ છું કે, અમદાવાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલમાંથી વર્તમાન સાહિત્યનું એવું સર્જનાત્મક ચિંતન આગળ વધે જેનાથી લોકોને અને આવનારી પેઢીને સારા જીવનની પ્રેરણા મળી શકે. આ પ્રસંગે જ્ઞાન પીઠ પુરસ્કાર વિજેતા અને જાણિતા સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, યુ.એસ એબીસીના સારા ઝિબેલ, જાણિતા સાહિત્યકાર અને પત્રકાર નિલેશ મિશ્રાએ પણ પ્રાસંગિક સંબોધનમાં આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેવા માટેની ખુશી વ્યક્ત કરી હતી.
આ ફેસ્ટિવલ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે ૧૬ અને ૧૭ નવેમ્બર સુધી ચાલું રહેશે. આ પ્રસંગે KCGમાં આવેલા આઇ-હબની પણ રાજ્યપાલશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સિચિવશ્રી શ્રીમતિ અંજુ શર્મા, ડો.એસ.કે.નંદાજી, અમદાવાદ ઇન્ટરેશનલ લિટરેચર ફેસ્ટિલના સ્વપ્ન દૃષ્ટ્રા તેમજ સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.