‘સાહેબ, પતિ દારૂ પીને બીભત્સ ક્લિપ બતાવે છે, ક્લિપ પ્રમાણે ન કરું તો માર મારે છે’
અમદાવાદ: છેલ્લાં ઘણા સમયથી મહિલાઓ સાથે થતા અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પત્નીએ તેના પતિ સામે આક્ષેપ કરીને પોલીસને જણાવ્યું કે તેનો પતિ દારૂ પીધા બાદ બીભત્સ ક્લિપ બતાવે છે, ક્લિપમાં આવે તેમ ન કરે તો માર મારે છે. વડોદરા ખાતે રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવનાર મહિલા હાલ અમદાવાદમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરે છે.
વેજલપુર ખાતે મોટી બહેનના મિત્રના ફ્લેટમાં રહેતી ૪૨ વર્ષીય મહિલા એક ખાનગી જગ્યાએ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે નોકરી કરે છે. આ મહિલાએ વર્ષ ૨૦૦૨માં માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ તેને ત્રાસ આપવા લાગ્યો હતો. પતિ અવારનવાર દારૂ પીને આવતો હતો. મહિલાને તેના માતાપિતા સાથે વાત પણ કરવા દેતો ન હતો. આટલું જ નહીં પતિ એટલો વિકૃત હતો કે દારૂ પીધા બાદ અશ્લીલ વીડિયો જાતો હતો અને બાદમાં વીડિયોમાં આવતા દૃશ્યો પ્રમાણે પ્રવૃત્તિ કરવાની તેની પત્નીને ફરજ પાડતો હતો. પત્ની મનાઈ કરે તો તેને માર માર્યાે હતો. આ બાબતે સાસુને વાત કરતા મહિલાને કડવો અનુભવ થયો હતો.
એટલું જ નહીં, મહિલાના પિતાની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં મળવા પણ જવા દેવાઈ ન હતી. આખરે મહિલાનાં પિતાનું અવસાન થતાં તેને આ વાતનો વસવસો રહી ગયો હતો. આટલા ત્રાસ સાથે મહિલાએ કંટાળીને પતિનું ઘર છોડી દીધું હતું અને સંતાનો સાથે અમદાવાદ રહેવા આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો હતો અને મહિલાએ સાસુ અને વિકૃત પતિ સામે ફરિયાદ આપતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.