સિંગતેલે ખોરવ્યું મહિલાઓનું બજેટ, ૧૫ કિલોના ડબાનો ભાવ ૨૦૧૮ પહોંચ્યો
રાજકોટ: હાલ મોંઘવારીના સમયમાં મહિલાઓને હવે સીંગતેલ પણ દઝાડી રહ્યું છે. સીંગતેલનો ભાવ અત્યારે આસમાને પહોંચી ચુક્યો છે. એક તરફ સોનું તો બીજી તરફ સીંગતેલ હવે મહિલાઓને રડાવી રહ્યું છે. લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોનુ મોંઘું થયું છે અને સાથે જ સીંગતેલ પણ મોંઘું થતા ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી છે.
દર વર્ષે ૧૫થી ૧૬ લાખ ટન મગફળીના ઉત્પાદનની સામે આ વર્ષે ૩૨ લાખ ટન મગફળી એટલેકે બમણું ઉત્પાદન થયું છે. સીંગતેલમાં આ અઠવાડિયામાં ૯૦ રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૦૧૮ પહોંચ્યો છે. હાલ રાજકોટની અંદર સીંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૦૦૦ થી ૨૦૨૦ બોલાવી રહ્યો છે.
ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસમાં ૧૫ કિલોના ડબ્બા ના ભાવ માં ૭૫ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ૨૦થી ૨૫ રૂપિયા વધે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. વેપારીઓનું માનીએ તો મગફળીના ઓછા ભાવ અને તેના પ્રમાણમાં આવક ઓછી હોવાના કારણે હાલ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે નાફેડ પાસે પાંચ લાખ ટન જેટલી મગફળી પડી છે. ત્યારે નાફેડ દ્વારા જો પોતાની પાસે સંગ્રહ કરવામાં આવેલી મગફળીનું વેચાણ કરવામાં આવે તો આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.