સિંગર અરિજીત સિંહની માતાનું બુધવાર રાત્રે નિધન
મુંબઈ: બોલીવુડના લોકપ્રિય ગાયક અરિજીત સિંહની માતા અદિતી સિંહનું કોરોનાના કારણે નિધન થયું છે. કોવિડ થયા બાદ અદિતી સિંહને એપ્રિલ મહિનાના અંતમાં કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે રાત્રે ૧૧ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૭ મેએ અદિતી સિંહનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ૧૯ મેએ સેરેબ્રલ સ્ટ્રોકના કારણે તેમનું નિધન થયું હતું. પરિવારજનો તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મુર્શિદાબાદના જિઆગંજ ખાતે તેમના ઘરે લઈ ગયા હતા. તેમની તબીયતના સમાચાર સૌ પ્રથમ વખત ત્યારે જાહેરમાં આવ્યા હતા જ્યારે શ્રિજીત મુખર્જી અને સ્વસ્તિક મુખર્જી સહિતની હસ્તીઓએ મેના પ્રથમ સપ્તાહે સોશિયલ મીડિયા પર બ્લડ ડોનર માટે વિનંતી કરી હતી. જાેકે, અરિજીત સિંહે પણ સોશિયલ મીડિયા પર લોકોને વિનંતી કરી હતી કે તે પોતે એક સેલિબ્રિટી છે
તેના કારણે જ તેને વિશેષ સુવિધા મળવી જાેઈએ નહીં. પ્રત્યેક દર્દીને એક સમાન સારવાર મળવી જાેઈએ. અરિજીત સિંહે લખ્યું હતું કે, જે લોકો હાલમાં મને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને મારી એક નમ્ર વિનંતી છે કે હું અરિજીત સિંહ છું તેથી જ મારી મદદ ન કરો. જ્યાં સુધી આપણે પ્રત્યેક વ્યક્તિનો આદર કરતા નહીં શીખીએ ત્યાં સુધી આપણે આ આફતમાંથી બહાર આવી શકીશું નહીં. જે લોકોએ મારી મદદ કરી છે તેમનો હું આભારી છું પરંતુ મહેરબાની કરીને યાદ રાખો કે આપણે બધા મનુષ્યો છીએ. આપણે પ્રત્યેક વ્યક્તિનું ધ્યાન રાખવાનું છે.