સિંગાપુરની GIC રિલાયન્સ રિટેલમાં આખરે રોકાણ કરશે
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં જીઆઈસી ૧.૨૨ ટકા ભાગીદારી કુલ ૫૫૧૨ કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબૂધાબી સ્થિત સૉવરેન ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં ૬,૨૪૭.૫ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ સાથે તે રિલાયન્સ રિટેલ વેન્ચરમાં ૧.૪ ટકા હિસ્સો ખરીદશે. રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ ૩૨ હજાર કરોડને પાર થઈ ગયું છે. કંપનીને ૭.૨૮ ટકા ભાગીદારી વેચીને કુલ ૩૨,૧૯૭.૫૦ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. વૈશ્વિક સ્તર પર પ્રમુખ ખાનગી ઇક્વિટી ફંડ આ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ મૂકી રહ્યા છે,
આ કારણે જ રિલાયન્સની બીજી કંપનીઓમાં રોકાણ કરી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું વર્તમાન મૂલ્ય ૪.૨૮ લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ રોકાણ કરી રહી છે. જીઆઈસી બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ કે, રિલાયન્સ રિટેલ પરિવારને જીઆઈસીનું સ્વાગત કરતા ખુશી થઈ રહી છે. દુનિયાભરમાં લાંબાગાળાના સફળ રોકાણના ચાર દશકા સુધીના પોતાના ટ્રેડ રેકોર્ડ જાળવી રાખનારી જીઆઈસી હવે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી રહી છે. હું આ વાતથી ખૂબ ખુશ છું. જીઆઈસીનું વૈશ્વિક નેટવર્ક અને લાંબાગાળાની ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તન માટે અમૂલ્ય રહેશે. દેશમાં સંગઠિત રિટેલ કારોબારમાં રિલાયન્સે ૨૦૦૬માં પ્રવેશ કર્યો હતો.
સૌથી પહેલા કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યો હતો. કંપનીનો વિચાર હતો કે નજીકના બજારમાંથી ગ્રાહકોને કરિયાણું અને શાકભાજી ઉપલબ્ધ કરાવવી. ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની શરૂઆતથી કંપનીએ કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. જે બાદમાં કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો હતો. ઇલેક્ટ્રૉનિક રિટેલ ચેન કંપનીએ ૨૦૦૭માં લાૅંચ કરી હતી. જે બાદમાં ૨૦૦૮થી ૨૦૧૧ સુધી રિલાયન્સ ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ અને રિલાયન્સ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો.