‘સિંઘમ અગેઇન’માંથી ચુલબુલ પાંડેની એક્ઝિટ
સુરક્ષાના કારણોસર સલમાનનો કેમિયો કેન્સલ થયો
મુંબઇ ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું, પરંતુ બાબા સિદ્દિકીની હત્યાને કારણે શૂટિંગ કેન્સલ થયું હતું
મુંબઈ,અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ અંગે છેલ્લાં કેટલાંક દિવસોથી નવી નવી અપડેટ્સ આવી રહી છે. તેમાં પણ સિંઘમના કોપ યુનિવર્સમાં ચુલબુલ પાંડેની એન્ટ્રી અંગે ઘણી આતુરતા અને ઉત્સુકતા વધારવામાં આવી હતી. હવે સલમાન અને ખાસ કરીને ચુલબુલ પાંડેના ફૅન્સ માટે નિઃરાશાજનક ખબર છે. હવે કેટલાંક એવા અહેવાલો આવી રહ્યા છે કે હવે ‘સિંઘમ અગેઇન’માં ચુલબુલ પાંડેની એન્ટ્રી જોવા મળશે નહીં. સુરક્ષાના કારણોસર ફિલ્મમાંથી સલમાનનો કેમિયો કેન્સલ થયો છે.
આ અહેવાલો અનુસાર સલમાન હવે ફિલ્મનો ભાગ નથી. છેલ્લાં ઘણા સમયથી સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે, પણ સલમાને પીછેહઠ કરી ન હતી. બાબા સિદ્દિકીની હત્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક સૂત્રના જણાવ્યા અનુસાર, “મુંબઇમાં ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું. પરંતુ બાબા સિદ્દિકીની હત્યાને કારણે શૂટિંગ કેન્સલ થયું હતું. પછી અજય અને રોહિત શેટ્ટી વચ્ચે એક અંગત ચર્ચા થઈ અને બંને એ નક્કી કર્યું કે આવા જોખમી અને વિવાદોના સમયે સલમાનને શૂટ માટે કહેવું અને અસંવેદનશીલ ગણાશે.
અજય અને રોહિતની જોડી સેન્સર બોર્ડને ફિલ્મ સમયસર મોકલવાની ઉતાવળમાં હતી. તેથી તેમણે સલમાનના સીન વિના જ ફિલ્મ મોકલી દીધી.” જોકે, કેટલાંક સૂત્રો એવું પણ જણાવે છે કે એવી પણ શક્યતા છે કે સલમાન સાથેનું શૂટ પાછળથી કરીને કદાચ ફિલ્મના અંત પછીના ક્રેડિટ વખતે પણ સીન મુકવામાં આવે, જે, હજુ આ અંગે ચિત્ર સ્પષ્ટ નથી. સૂત્રએ જણાવ્યું,“બાબા સિદ્દિકીના મૃત્યુના બે જ દિવસમાં સલમાનને શૂટ માટે કહેવું મુશ્કેલ હતું. રોહિત અને અજયે ૧૮ ઓક્ટોબર સુધીમાં આ ફિલ્મ સબમિટ કરવાની હતી. તેથી તેમણે સલમાનની અંગતતા જાળવી રાખવા માટે આ કઠીન નિર્ણય લીધો.” અગાઉ સલમાને આ કેમિયો માટે હા પાડી હતી. આ સીન તે માત્ર અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથેના સંબંધોને કારણે જ કરી રહ્યો હતો.ss1